Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
દિલીપ સંઘાણી ઈફ્કોના ચેરમેનપદે બિનહરીફ ચૂંટાયા બાદ રાજકોટ પહોંચ્યા હતા.
Rajkot: દિલીપ સંઘાણી ઈફ્કોના ચેરમેનપદે બિનહરીફ ચૂંટાયા બાદ રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટ એરપોર્ટ પર સહકારી આગેવાનોએ દિલીપ સંઘાણીનું સ્વાગત કર્યું હતું. મેન્ડેટની વિરુદ્ધ જઈ જયેશ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટરપદે ચૂંટાયા હોવાની વાત પર પણ દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું હતું. દિલીપ સંઘાણીએ જયેશ રાદડિયાની જીતને લોકતંત્રની જીત ગણાવી હતી. તેમણે કહ્યું હતુ કે સહકારના કાયદા મુજબ જ ચૂંટણી થશે.
દિલીપ સંઘાણીએ કહ્યું કે જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે. મેન્ડેટ પ્રથા પર ઘમાસાણ વચ્ચે દિલીપ સંઘાણીનું સ્ફોટક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે મેન્ડેટ નહી પણ કાયદો સર્વોપરી છે. વાદ નહીં વિવાદ નહીં, વિકાસ સિવાય કોઈ વાત નહી. કેંદ્ર સરકારની યોજનાઓ ગામે ગામ પહોંચાડીશું. સહકાર અને સમાજના ઉત્થાન માટે કામ કરીશુ. જેમના સહયોગની જરૂર પડશે એમનો સહયોગ લઈશુ. હું કોઈ જૂથવાદમાં પડવાનો નથી.
મેન્ડેટ પ્રથા મુદ્દે દિલીપ સંઘાણી ગોળ ગોળ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે કાયદામાં હોય એવું હોવું જોઈએ. મેન્ડેટ પ્રથા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલને મળીશ.
નોંધનીય છે કે ઈફ્કોની ચૂંટણી બાદ ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ જોવા મળી રહ્યા છે. રાજકોટ ભાજપના અગ્રણી અને સહકારી નેતા બાબુભાઈ નસીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બાબુ નસીતે જયેશ રાદડિયા સામે કાર્યવાહીની માંગ કરી છે. મેન્ડેટ વિરુદ્ધ લડનાર સામે કાર્યવાહીની માંગ કરી છે. ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડીયા મન્ડેટ વગર ચૂંટણી લડતા હવે ભાજપનું બીજું જૂથ મેદાનમાં આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખે અમારા વિરુદ્ધ પગલા લીધા હતા હવે આમાં પણ ભાજપ પગલાં લે તેવી વાત બાબુ નસીતે કરી છે.
બાબુ નસીતે કહ્યું, ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડ્યા છે. પહેલા કૉંગ્રેસ અને ભાજપનું ઇલું ઇલું ચાલતું હતું. અમે પણ મેન્ડેટનો ભોગ બનેલા છીએ. અમે મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું ત્યારે તાલુકા ભાજપમાંથી અમને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા.
ભાજપના અગ્રણીઓને કહેવા માગું છું અમારી ઉપર જે પગલાં લીધા હતા તેવા પગલાં હવે મેન્ડેટ વિરુદ્ધ કામ કરનાર તમામ લોકો સામે લેવામાં આવે. કૉંગ્રેસના ડાયાભાઈ પટેલ, કોંગ્રેસના નેતા મોહમ્મદ પીરજાદા પણ કોંગ્રેસના અગ્રણી નેતા છે. તેમની સાથે રાજકોટના સહકારી ભાજપના અગ્રણીઓનું ઇલુ ઇલુ છે.
બાબુ નસીતે રાજકોટ જિલ્લાના કોંગ્રેસ અને ભાજપના સહકારી અગ્રણીઓને આડેહાથ લીધા હતા. બાબુ નસીતે કહ્યું, હું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને વિનંતી કરું છું કે રાજકોટ લોધિકા સંઘમાં પ્રતિનિધિ મૂકવામાં આવે છે આ પ્રતિનિધિ ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તાઓને મૂકવામાં આવે.
બાબુ નસીતના આરોપ પર જયેશ રાદડિયાએ સ્પષ્ટતા કરી છે. જયેશ રાદડિયાએ કહ્યું, દેશ લેવલની ચૂંટણીમાં મેન્ડેટની જરુર નહીં. સામાજિક સંસ્થાઓએ વચ્ચે ન આવવું જોઈએ. સમાજના નામે રાજકારણ ન થવુ જોઈએ. રાદડિયાએ કહ્યું, મેન્ડેટની જાણ મને નહોતી. ભાજપના કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું.