TRP ગેમઝોન અગ્નિકાંડનું પાપ ધોવા રાજકોટ મેયર પહોંચ્યા પ્રયાગરાજ? સરકારી ખર્ચે મહાકુંભ યાત્રાથી વિવાદ વકર્યો!
પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો! બજેટ સત્ર છોડી મહિલા મોરચા અધ્યક્ષ સાથે મેયરની કુંભ ડૂબકી, સરકારી ગાડી પર કપડાં સૂકવતા તસ્વીર વાયરલ.

Rajkot Mayor's Prayagraj Visit: રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા વધુ એક વિવાદમાં સપડાયા છે. તાજેતરમાં રાજકોટમાં થયેલ TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટનાના પગલે શહેર હજી શોકમાં ડૂબેલું છે, ત્યારે મેયર નયનાબેન સરકારી ગાડીમાં મહિલા મોરચાના અધ્યક્ષને સાથે લઈને પ્રયાગરાજ કુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવવા પહોંચ્યા હોવાના અહેવાલ છે. આ પ્રવાસને લઈને અનેક સવાલો ઉભા થયા છે, જેમાં સૌથી મોટો સવાલ એ છે કે શું મેયર પ્રજાના ટેક્સના પૈસાનો ઉપયોગ પોતાના અંગત ધાર્મિક પ્રવાસ માટે કરી રહ્યા છે? શું આ યાત્રા TRP ગેમઝોન અગ્નિકાંડના પાપ ધોવા માટે કરવામાં આવી રહી છે?
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2024-2025નું અંદાજપત્ર સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ થવાનું છે, ત્યારે મેયરની ગેરહાજરી અનેક તર્ક વિતર્કોને જન્મ આપી રહી છે. શહેરના પ્રથમ નાગરિકનું બજેટ જેવા મહત્વપૂર્ણ સમયે શહેરની બહાર રહેવું અને સરકારી ખર્ચે અંગત પ્રવાસ કરવો કેટલું યોગ્ય છે તે સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.
વધુમાં, મેયરની સરકારી કાર પ્રયાગરાજમાં જોવા મળતા વિવાદ વધુ ઘેરો બન્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં મેયરની સરકારી ગાડી પર મહિલાઓના કપડાં સુકાઈ રહ્યા છે, જે મેયરના પદની ગરિમાને લાંછન લગાવતું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ તસ્વીર સામે આવ્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને મેયરની કાર્યશૈલી પર સવાલો ઉઠી રહ્યા છે.
એક તરફ જ્યાં શહેર TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટનાથી હજી બહાર નથી આવ્યું, મૃતકોના પરિવારજનો શોકમાં ડૂબેલા છે, ત્યારે મેયર દ્વારા કુંભ મેળાની યાત્રા કરવી અને તેમાં પણ સરકારી સંસાધનોનો ઉપયોગ કરવો એ સંવેદનહીનતા દર્શાવે છે તેવું લોકો માની રહ્યા છે. કુંભમાં ડૂબકી મારવાની લાયમાં મેયર શહેર પ્રત્યેની પોતાની ફરજ ભૂલી ગયા હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે.
આ મામલે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, મેયરે રાજ્ય બહાર જવા માટે મંજૂરી મેળવી છે અને નિયમ મુજબ કિલોમીટર દીઠ 2 રૂપિયાનું ભાડું પણ ચૂકવશે. જો કે, અહીં સવાલ એ છે કે શું માત્ર મંજૂરી લેવાથી અને ભાડું ચૂકવવાથી પ્રજાના પૈસાનો અંગત ઉપયોગ યોગ્ય ઠરે છે? શું મેયર માટે ધાર્મિક યાત્રા એટલી મહત્વપૂર્ણ છે કે તેઓ શહેરના અગત્યના કામો પડતા મૂકીને સરકારી ખર્ચે પ્રવાસ કરે?
મેયરની આ કુંભ યાત્રા રાજકીય અને સામાજિક રીતે ભારે વિવાદનું કારણ બની છે. વિપક્ષ દ્વારા આ મુદ્દે મેયર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને તેમના રાજીનામાની માંગણી પણ ઉઠવા લાગી છે. હવે જોવાનું એ રહે છે કે આ સમગ્ર મામલે મેયર નયનાબેન પેઢડીયા શું ખુલાસો કરે છે અને શું આ વિવાદ તેમના પદ પર કોઈ અસર કરશે કે કેમ.
આ પણ વાંચો....
કોંગ્રેસ દિગ્ગજ નેતાની યોગીના મંત્રી સાથે કુંભમાં ડૂબકી: પક્ષપલટાની અટકળો તેજ





















