Heart Attack: રાજકોટમાં 1 થી 4 ઓક્ટોબર સુધીમાં 63 લોકોને હાર્ટ એટેક આવતા ચિંતા પેઢી, જાણો ચાલુ વર્ષે કેટલે પહોંચશે આંકડો
તાજા રિપોર્ટ પ્રમાણે, રાજકોટમાં ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 થી 4 ઓકટોબર સુધીમાં હાર્ટ એટેકના 63 બનાવો સામે આવ્યા છે
Rajkot News: રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત અને ઝડપી વધારો નોંધાઇ રહ્યો છે, રાજકોટમાંથી સામે આવેલી વિગતો અનુસાર, અહીં છેલ્લા અઠવાડિયામાં હ્રદય રોગના હુમલાના બનાવો 63ને પાર થઇ ગયા છે. આ આંકડો માત્ર ઓક્ટોબર મહિનાના પહેલા ચાર દિવસનો જ છે. ચાલુ વર્ષે આ કેસો 4500ને પાર થઇ જાય તો નવાઇ નહીં રહે.
રાજકોટમાં હ્રદય રોગના હુમલાના કોસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજા રિપોર્ટ પ્રમાણે, રાજકોટમાં ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 થી 4 ઓકટોબર સુધીમાં હાર્ટ એટેકના 63 બનાવો સામે આવ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે. ચાલુ વર્ષમાં સૌથી વધુ હાર્ટ એટેકના કેસો સપ્ટેમ્બર માસમાં 451 જેટલા નોંધાયા હતા, અને સૌથી ઓછા કેસો જૂન માસમાં 324 હાર્ટ એટેક કેસો નોંધાયા હતા. હાર્ટ એટેકના કેસોની વાર્ષિક વાત કરીએ તો વર્ષ 2021માં 2087 કેસો, 2022માં 3458 કેસો નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે 4 ઓકટોબર સુધીમાં 3512 નોંધાયા નોંધાઇ ચૂક્યા છે. ચાલુ વર્ષે આ આંકડો 4500ને પાર પહોંચે તેવી પુરેપુરી શક્યતા છે.
હાર્ટ અટેકના વધતા જતાં કેસને લઇને રાજકોટમાં નવરાત્રી દરમિયાન કરાશે આ ખાસ વ્યવસ્થા
કોરોના બાદ સતત હાર્ટ એટેકના કેસ વધી રહ્યાં છે, ખાસ કરીને નવરાત્રિમાં ગરબા દરમિયાન હાર્ટ અટેકના કેસ વધાવાની શક્યતાને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે ખાસ હાર્ટ અટેક માટે વોર્ડ ઉભો કરાયો છે. નવરાત્રીના નવ દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટમાં હાર્ટ એટેક ના કિસ્સાઓ વધી રહ્યા છે જેમને લઇ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટે આ ખાસ નિર્ણય લીધો છે. નવરાત્રિમાં ગરબા દરમિયાન આ વોર્ડમાં રાત્રે ડોક્ટર્સની ટીમ હાજર રહેશે. દવા ,ઇજેકશન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વોર્ડમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાર્ટ અટેકના વધતા જતાં કેસને લઇને રાજકોટમાં નવરાત્રી દરમિયાન ખાસ આ સેવા આપવામાં આવશે.
છેલ્લા કેટલાક દિવસથી યુવાવસ્થામાં હાર્ટ અટેકના કિસ્સા વધી રહ્યાં છે. ખાસ કરીને જિમનાં ટ્રેડમિલ પર દોડતાં કે ક્રિકેટ રમતા કે પછી ગરબા કે ડાન્સ દરમિયાન હાર્ટ અટેક આવતા મોત થયાના કિસ્સા વધ્યા છે. આ સ્થિતિને જોતા રાજકોટ સિવિલ હોસ્પિટલે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાત્રિ દરમિયાન હાર્ટ અટેકની સારવાર મળે રહે માટે ખાસ રાત્રિનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં આખી રાત વોર્ડમાં ડોક્ટરની ટીમ રહેશે. ઉલ્લેખનિય છે કે, ગણેશ વિસર્જન સમયે પણ ગરબા રમતા રમતા હાર્ટ અટેક આવી જતાં યુવકનું મોત થયું હતું. રાજકોટમાં જે ક્રિકેટ રમતા રમતા હાર્ટ અટેક આવતા મોત થયાને કિસ્સા બની ચૂક્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગરબામાં પણ હાર્ટ અટેકની શક્યતાને અને ચિંતાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલે આ સેવા શરૂ કરી છે. જેથી સત્વરે મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે અને દર્દીનો જીવ બચાવી શકાય .