Rajkot: સિટી બસની ટક્કરથી મોતને ભેટ્યા PSI, નિવૃત્તિના છ મહિના બાકી હતા, પાછળ બેઠેલાં પત્નિ પણ ફંગોળાયાં ને.......
રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એચ. એ. આઘામનો બુધવારે વિકલી ઓફ હોવાથી કામ માટે બહાર નિકળ્યા હતા.
રાજકોટ: રાજકોટમાં બનેલી અક ગમખ્વાર ઘટનામાં પી.એસ.આઈ.નું નિધન થયું છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ. એ. આઘામ પોતાન સ્કૂટર પર નિકળ્યા હતા ત્યારે સ્કૂટરને સિટી બસે ટક્કર મારી હતી.
રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એચ. એ. આઘામનો બુધવારે વિકલી ઓફ હોવાથી કામ માટે બહાર નિકળ્યા હતા. રસ્તામાં સિટી બસે ટક્કર મારતાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ. એ. આઘામ અકસ્માતનો ભોગ બન્યા હતા. હસનભાઇ આમદભાઇ અઘામ (ઉ.વ.૫૮) અને તેમના પત્નિ હસીનાબેન (ઉ.વ.૫૫) ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ પીએસઆઇ એચ. એ. અઘામનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમના પત્નિને પગમાં ત્રણ ફ્રેકચર થઇ જતાં દાખલ કરવામાં આવ્યા હતાં.
મોચીનગર-૬ પેસીફીક આઇસ્ક્રીમ પાસે શિતલ પાર્ક રોડ પર રહેતાં અને પોલીસ હેડકવાર્ટરમાં બેન્ડ પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં હસનભાઇ આમદભાઇ અઘામ સાંજે પોણા સાતેક વાગ્યે હેડકવાર્ટરમાં નોકરી પર જવા પોતાનું ટુવ્હીલર જીજે૦૩જેએન-૭૮૬૮ લઇને નીકળ્યા હતાં. તેમના પત્નિ હસીનાબેનને શાકભાજી લેવા જવાનું હોય તેઓ પણ સાથે બેઠા હતાં. બન્ને શિતલપાર્ક રોડ ટ્રાફિક ટોઇંગ સ્ટેશન પાસે પહોંચ્યા ત્યાં જ પાછળથી સીટી બસ જીજે૦૩એટી-૯૫૭૪ના ચાલકે અડફેટે લેતાં પતિ-પત્નિ બંને ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ મારફત સિવિલમાં ખસેડાયા હતાં. જોકે હોસ્પિટલમાં પીએસઆઈનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બનાવ અંગે ગાંધીગ્રામના પીએસઆઇ પી. કે. ક્રિશ્ચીયને મૃત્યુ પામનારના પુત્ર વસીમભાઇ આઘમની ફરિયાદ પરથી સીટી બસના ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર પીએસઆઇ અઘામ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. જેમાં નાનો દિકરો શબ્બીર એસઆરપીમાં છે. મોટા વસીમભાઇ પ્રાઇવેટ નોકરી કરે છે. પીએસઆઇ અઘામ અગાઉ ગોંડલમાં નોકરી પર હતાં. છ વર્ષથી રાજકોટ નિમણુંક થઇ હતી. છ મહિના પછી તેઓ ફરજમાંથી નિવૃત થવાના હતાં. ત્યાં આ બનાવ બની ગયો હતો. અધિકારીઓ દ્વારા પીએસઆઇ અઘામને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.