Surat: સુરતમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, બંગલામાં ચાલતી હતી સ્કૂલ
સુરતમાં વિદ્યાર્થિનીની આત્મહત્યા કેસમાં સ્કૂલને લઇને મોટો ખુલાસો થયો હતો

સુરતમાં વિદ્યાર્થિનીની આત્મહત્યા કેસમાં સ્કૂલને લઇને મોટો ખુલાસો થયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે આદર્શ પબ્લિક સ્કૂલ બંગલામાં ચાલતી હતી. સ્કૂલમાં પ્રિન્સિપાલ પણ ભૂતિયા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો હતો. બે દિવસમાં તપાસ બાદ કમિટીએ DEOને રિપોર્ટ સોંપ્યો હતો.
નોંધનીય છે કે સુરતના ગોડાદરા વિસ્તારમાં વિદ્યાર્થિનીની આત્મહત્યા કેસમાં તપાસમાં સ્કૂલને લઇને મોટા મોટા ખુલાસાઓ થયા છે. આદર્શ પબ્લિક સ્કૂલની ધોરણ-8ની વિદ્યાર્થીનીએ બે દિવસ પૂર્વે આત્મહત્યા કરી લીધી હતી. સ્કૂલ ફી ન ભરી હોવાથી ત્રાસ આપવામાં આવતો હોવાના વિદ્યાર્થિનીના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. આ વચ્ચે DEO કચેરીએ તપાસ હાથ ધરતા સ્કૂલની પોલ ખુલી ગઇ હતી.
DEO કચેરીની તપાસમાં ખૂલ્યું હતું કે બંગલામાં શાળા ધમધમતી હતી. આટલું જ નહીં સ્કૂલના પ્રિન્સિપાલ પણ ભૂતિયા હોવાનું સામે આવ્યું છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં ઇમર્જન્સી સીડી નહોતી. સ્કૂલ પાસે પોતાનું રમતગમતનું મેદાન પણ નથી. જેના પગલે રમતગમત સહિતના અન્ય કાર્યક્રમો રોડ પર યોજવામાં આવતા હતા. સ્કૂલમાં જ યુનિફોર્મનું વેચાણ કરવામાં આવતું હતું. સ્કૂલમાં ટોઇલેટ સહિતની જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ તે નહોતી. DEO કચેરીની તપાસમાં સામે આવેલી બેદરકારી અંગે તપાસ સમિતિએ રિપોર્ટ સબમિટ કરી દીધો છે. જેના આધારે આવનારા દિવસોમાં DEO સ્કૂલ સંચાલકો સામે આકરી કાર્યવાહી કરશે.
નોંધનીય છે કે એક વિદ્યાર્થિનીએ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પરિવારે આરોપ લગાવ્યો હતો કે શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાને કારણે વિદ્યાર્થીનીને સજા આપી હતી. વિદ્યાર્થિનીને સજાના ભાગ રૂપે વર્ગખંડમાં બેસવા દીધી નહોતી. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ વર્ગ-2 અને વર્ગ-3ના પાંચ અધિકારીઓની તપાસ ટીમ બનાવી હતી. બે દિવસની તપાસ બાદ રિપોર્ટ બનાવી DEOને સબમિટ કરી દેવામાં આવ્યો છે. બે દિવસ પહેલા ગોડાદરા વિસ્તારમાં ધોરણ-8માં અભ્યાસ કરતી ભાવના રાજેશભાઈ ખટીક નામની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે વિદ્યાર્થીનીના પરિવારજનોએ આદર્શ પબ્લિક સ્કૂલ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, તેમણે ફી ન ભરી હતી તેથી દીકરી સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવ્યું હતું અને તેને પરીક્ષા આપવા દેવામાં આવી ન હતી.





















