સુરતના આ જાણીતા મંદિરમાં 10 સંતો કોરોના પોઝિટિવ આવતા ફફડાટ, સંતોના સંપર્કમાં આવેલ લોકોનું ટ્રેસિંગ શરૂ
સુરત શહેરમાં અત્યાર સુધીમાં 60 હજાર 155 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે.
સુરતમાં કોરોનાનું સતત સંક્રમણ વધી રહ્યું છે. સુરત શહેરમાં કોરોનાના નવા 464 અને ગ્રામ્યમાં નવા 151 પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજ્ય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર નવા નોંધાયેલા કેસથી હવે સુરત જિલ્લામાં પોઝિટીવ કેસની સંખ્યા 65 હજાર 195 પર પહોંચી ગઈ છે. તો રાજ્ય અને જિલ્લાનો કુલ મૃત્યુઆંક એક હજાર 176 પર પહોંચી ગયો છે.
સુરત શહેરમાં અત્યાર સુધીમાં 60 હજાર 155 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. ચિંતાજનક વાત તો એ છે કે સતત વધી રહેલા કોરોનાના કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી રહેતા એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. સુરત જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ત્રણ હજાર 864 પર પહોંચી ગઈ છે.
સુરતના અડાજણના સ્વામીનારાયણ મંદિરના 10 સંતો કોરોના સંક્રમિત થયા છે. સંતોના સંપર્કમાં આવેલ લોકોનું ટ્રેસિંગ શરૂ કરાયું છે. ભક્તોની માહિતી મેળવી ચકાસણી કરાશે.જ્યારે ડુમ્મસ રોડ પર આવેલ સેંટ્રલ મોલના 17 કર્મચારીઓ કોરોના પોઝિટીવ આવતા મોલને બંધ કરી દેવામાં આવ્યો. બીજી લહેરમાં કોરોનાનો ચેપ 70 ટકા જેટલો વધુ ફેલાઈ રહ્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટરે સાવચેતીના પગલે મુલાકાતીઓના જિલ્લા કલેક્ટર કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુક્યો છે.
સુરત શહેરમાં કોરોનાનું સંક્રમદ રોજબરોજ વધી રહ્યું છે. 25થી વધુ વિસ્તારોમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેમાં ગોપીપુરા, ચોકબજાર, નાનપુરામાં વધુ કેસ સામે આવી રહ્યા છે. સગરામપુરા, બેગમપુરા સહિતના વિસ્તારોમાં પણ કોરોનાના કેસોનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યા છે. આ વિસ્તારોમાં વધુ સંક્રમણથી મનપાની ચિંતા વધી રહી છે.
સુરતમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ પાલિકાએ આદેશ આપ્યો છે કે ડાયમંડ ટેક્સટાઈલ સહિત અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ સપ્તાહમાં એક વખત રેપિડ ટેસ્ટ અને RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે તેવો પાલિકાએ આદેશ કર્યો છે. જોકે કોરોનાની વેક્સીન લીધેલા વ્યક્તિઓને આ ટેસ્ટ નહીં કરાવો પડે. બાકીના તમામ લોકોએ પાલિકાના આ આદેશનું પાલન કરવું પડશે. જે કોઈ પાલન નહીં કરે તો તેમની વિરુદ્ધ એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.