સુરતની બે ડાયમંડ એક્ષ્પોર્ટ કંપની સાથે રૂપિયા 60 લાખના હીરાની ઠગાઈ
સુરતમાં બે ડાયમંડ એક્ષ્પોર્ટ કંપની સાથે રૂપિયા 60.15 લાખના હીરાની ઠગાઈની ફરિયાદ કતારગામ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેને લઈને સમગ્ર શહેરમાં હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
સુરત: સુરતના કતારગામ વસ્તાદેવડી રોડની બે ડાયમંડ એક્ષ્પોર્ટ કંપની સાથે રૂપિયા 60.15 લાખના હીરાની ઠગાઈની ફરિયાદ કતારગામ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેને લઈને સમગ્ર શહેરમાં હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ ફરિયાદ બાદ ધરમચંદ પારસચંદ એક્ષ્પોર્ટ સાથે રૂપિયા 40 લાખની ઠગાઈ કરનાર મુંબઈના દલાલ અને સુરતના વેપારીની પોલીસે ધરપકડ કરી છે.
આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંબઈના વાલ્કેશ્વર મલબાર હિલ રાજનિકેતનમાં રહેતા 43 વર્ષીય સુમિતભાઈ પારસચંદ હિરાવત સુરતના કતારગામ વસ્તાદેવડી રોડ પ્રમુખ દર્શન કોમ્યુનિટી હોલ પાસે પ્લોટ નં.164 હોલ નં.201-202 માં ધરમચંદ પારસચંદ એક્ષ્પોર્ટના નામે હીરાનો વેપાર કરે છે. તેમની સાથે છેલ્લા 15 વર્ષથી દલાલી કરતા વિક્રમભાઈ નવલચંદ શાહ ( ઉ.વ.50, રહે.603, મહાવીર બિલ્ડીંગ, સર્વોદય પાર્શ્વનાથ નગર, મુલુંડ ( વેસ્ટ ), મુંબઈ ) વર્ષ 2019માં વેપારી જગદીશભાઈ નાનજીભાઈ કાનાણી ( ઉ.વ.51, રહે.601, શ્રીનિધિ એપાર્ટમેન્ટ, બી ટાવર, મોટા વરાછા, સુરત )ને લઈ તેમની વસ્તાદેવડી રોડની ઓફિસે આવ્યા હતા. વરાછા બરોડા પ્રિસ્ટેજની સામે ડાયમંડ એસ્ટેટ પ્લોટ નં.22,23 માં તેમનું રફ હીરાનું મોટાપાયે કામ છે તેવું તેમણે જણાવ્યું હતું.
આથી ગત 3 ઓક્ટોબર 2020ના રોજ સુમિતભાઈએ જગદીશભાઈને રૂપિયા 39,99,996ની મત્તાના 743.09 કેરેટ રફ હીરા આપ્યા હતા. તેનું પેમેન્ટ સાત દિવસમાં ચૂકવવાનો વાયદો હતો છતાં જગદીશભાઈ પેમેન્ટ નહીં કરી બહાના કાઢતા હતા. ત્યાર બાદ તેમણે થાય તે કરી લો, મારે તમને કોઈ પેમેન્ટ આપવાનું નથી કહી ધમકી આપતા છેવટે સુમિતભાઈએ બંને વિરુદ્ધ આજે કતારગામ પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ ફરિયાદના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
ઠગાઈના બીજા બનાવમાં કતારગામ વસ્તાદેવડી રોડ ગાયત્રી મંદિરની સામે સાગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પહેલા માળે આવેલા ડાયમંડ મર્ચન્ટ ફેકટરી ઈમ્પોર્ટ એન્ડ એક્ષ્પોર્ટમાંથી અગાઉ વરાછા રોડ જી.કે ચેમ્બર્સમાં હીરાનું કામ કરતા ભરતભાઇ નાથાભાઇ પટોડીયા કામ આપશો તો તમારુ હીરાનું કટીંગ, ફીનીશીંગ ખુબજ વ્યવસ્થિત રીતે કરી આપીશું, મારી ઉપર વિશ્વાસ ભરોસો રાખો કામ કરશો તો ક્યારેય તમારો વિશ્વાસ તોડીશુ નહી તેવી વાતો કરી ગત 6 ઓગષ્ટ થી 25 સપ્ટેમ્બર 2021 દરમિયાન કુલ રૂ.20.15 લાખની મત્તાના 832 નંગ હીરા લઈ ગયો હતો. જોકે, બાદમાં હીરા પરત નહીં કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા તેના વિરુદ્ધ પેઢીના મેનેજર અલ્પેશભાઈ ગોરધનભાઇ પોકીયા ( ઉ.વ.46, રહે. ઘર નં.40, યોગીદર્શન, યોગીચોક, સીમાડા નાકા, સુરત ) એ ગતરોજ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.