(Source: ECI/ABP News/ABP Majha)
Surat: ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, આ રીતે ચલાવતા હતા કારોબાર
Surat News: માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમેદરોડો પાડ્યો હતો અને ઈંગ્લીશ દારૂની ખાલી બોટલમાં કેમિકલયુક્ત દારૂ ભરતા બે ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા.
Surat News: ડાયમંડ નગરી સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં કેમિકલ યુક્ત ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. કેમિકલ ભેળસેળ કરી નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પર PCB પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં 9 લાખથી વધુના નકલી દારૂના જથ્થા સાથે બે આરોપી ઝડપી પાડ્યા છે.
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં માનવ જિંદગી જોખમમાં મુકાય તેવો કેમિકલ્સ મિશ્રિત કરી બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવવતી મીની ફેક્ટરી ચાલી રહી હતી. જ્યાં પીસીબી પોલીસે રેડ કરી દારૂડીયાઓને છેતરતી નકલી દારૂ બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી હતી. પોલીસે બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે તેમજ ૯.૨૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.સુરત પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે ઇચ્છાપોર ગામ ડાયમંડ નગર કો.ઓ. હાઉસિંગ સોસામાં આવેલા એક બંગલામાં બે ઈસમો દ્વારા નકલી વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે,અને બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ચલાવે છે. માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો અને ઈંગ્લીશ દારૂની ખાલી બોટલમાં કેમિકલયુક્ત દારૂ ભરતા બે ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા.
ફેક્ટરીમાંથી શું શું મળ્યું
ફેક્ટરી ચલાવનાર કલ્પેશભાઈ રામચંદ્રભાઈ સામરિયા તથા દુર્ગાશંકર ઉદયલાલ ખટીકની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ત્યાંથી દારૂની ખાલી અને ભરેલી બોટલો, 4 મોબાઈલ, પ્લાસ્ટિકના કેરબા, ઢાંકણ, સ્ટીકર, બાટલીને બુચ મારવાનું હેન્ડ મેકર પ્રેશર મશીન, એક ફોર્વ્હીલ જપ્ત કરી હતી, આ ઉપરાંત આરોપીની પૂછપરછમાં આ સિવાય બનાવટી ઇગ્લીંશ દારૂ બનાવવાનું કેમિકલ્સ અઠવાગેટ સર્કલ પાસે આવેલા પેરેડાઈઝ એપાર્ટમેન્ટની દુકાન ન.8 માં સંતાડી રાખ્યું હોવાનું જણાવતા ત્યાં પણ પોલીસે રેડ કરી હતી અને ત્યાંથી ૫.૨૫ લાખની કિમતનું બનાવટી દારૂ બનાવવાનું આલ્કોહોલ કેમિકલ 1050 લીટર, તેમજ દારૂની બોટલના રીંગ સાથે બુચ વગેરે મળી કુલ 9.28 લાખની કિમતનો મુદામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ત્રણ વખતે કેસ કરતાં જાતે જ દારૂ બનાવવાનું શીખ્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી કલ્પેશભાઈ રામચંદ્રભાઈ સામરીયા અગાઉ રાજસ્થાન તથા દમણ ખાતેથી દારૂની હેરાફેરી કરતો હતો પરંતુ પોલીસ દ્વારા તેને ત્રણેક વખત દારૂ સાથે ઝડપી પાડી તેની ઉપર કેસ કર્યો હતો જેથી તેણે રાજસ્થાન ખાતે જઈ તેના મિત્રો પાસેથી જાતે જ દારૂ બનાવવાનું શીખી સુરત ખાતે આવી પોશ વિસ્તારમાં બંગલો ઉચા ભાવે ભાડેથી રાખી બનાવટી દારૂ બનાવવા અંગેનું કેમિકલ્સ , આલ્કોહોલ એસેન્સ, બુચ, સ્ટીકર વિગેરે ચીજવસ્તુઓ રાજસ્થાન ખાતે રહેતા વોન્ટેડ આરોપી પાસેથી મંગાવી ઈચ્છાપોર સ્થીત બંગલામાં મીની ફેક્ટરી ઉભી કરી કેમિકલ્સ મિશ્રિત બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવી વેચાણ કરતા હતા.વધુમાં આરોપી અગાઉ જમીન લે વેચની દલાલીનું કામ કરતો હતો અને પોતે પણ સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારની પોશ સોસાયટીમાં રહેતો હતો. તેમજ પોતાને આર્થિક સંકડામણ હોવાથી ઓછા રોકાણમાં વધુ આર્થિક નફો મેળળવા આ ધંધો કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, આ સમગ્ર મામલે ઇચ્છાપોર પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.