દક્ષિણ ગુજરાતના કયા જિલ્લામાં ફાટ્યો કોરોનાનો રાફડો, આજે વિદ્યાર્થિની સહિત 7 પોઝિટીવ
આજે જિલ્લામાં કુલ ૦૭ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. ૦૭ પોઝિટિવ કેસમાં એક ૧૨ વર્ષીય વિદ્યાર્થિની પોઝિટિવ છે. ચીખલી તાલુકાના કાગવાઈ ગામમાં આવેલ શાળાની વિદ્યાર્થિની પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું.
નવસારીઃ નવસારી જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. આજે જિલ્લામાં કુલ ૦૭ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. ૦૭ પોઝિટિવ કેસમાં એક ૧૨ વર્ષીય વિદ્યાર્થિની પોઝિટિવ છે. ચીખલી તાલુકાના કાગવાઈ ગામમાં આવેલ શાળાની વિદ્યાર્થિની પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું. ચીખલી,નવસારી અને ગણદેવી તાલુકામાં કોરોના પોઝિટિવ આવ્યા છે. ગઈ કાલે નવસારી જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 26 હતા.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 55 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 48 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,591 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. કોરોના વાયરસના સંક્રમણથી આજે વલસાડમાં 1 મોત થયું છે. આજે 3,09,845 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશન 14, જામનગર કોર્પોરેશનમાં 6, નવસારી 5, રાજકોટ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશનમાં 4,આણંદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, જામનગર 1, કચ્છ 1, મોરબી 1, પોરબંદર 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 555 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 551 નાગરિકો સ્ટેબલ છે. 8,17,591 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10100 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 11ને પ્રથમ અને 1786 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 9088 લોકોને પ્રથમ અને 69436 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 31542 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 197982 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,09,845 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,58,66,425 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 57 પર પહોંચી
દેશમાં ધીમે ધીમે ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે તંત્ર ફરી એકવાર ચિંતિત બન્યું છે. આજે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. આ પહેલા દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા હતા. આ સાથે દિલ્લીમાં આ કેસોની સંખ્યા 6 થઈ છે. દિલ્હી અને રાજસ્થાનમાં કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસ નોંધાયા સાથે, દેશમાં નવા કેસની કુલ સંખ્યા વધીને 49 થઈ હતી. મહારાષ્ટ્રમાં સાંજે 8 નવા કેસ નોંધાતા હવે દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 57 પર પહોંચી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ જણાવ્યું છે કે નવા ઓમિક્રોન કોરોનાવાયરસ સ્ટ્રેન 63 દેશમાં જોવા મળ્યા છે.