સુરતમાં બુટલેગરોનો નવો કીમિયો, "કાફે" ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ₹2.32 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ
Fake cafe van racket: ઉધનામાં પોલીસે ₹2.32 લાખનો વિદેશી દારૂ અને વાહનો સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી, "અજય કાફે"ની વાનનો ઉપયોગ થતો હતો.

Surat liquor smuggling: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવાના અનેક પ્રયાસો છાશવારે સામે આવતા રહે છે. સુરત શહેરમાં પોલીસે એક એવા જ ચોંકાવનારા કિસ્સાનો પર્દાફાશ કર્યો છે, જેમાં દારૂની હેરાફેરી માટે એક જાણીતા કાફેની ડિલિવરી વાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. પોલીસે ઉધના વિસ્તારમાંથી કાર્યવાહી કરીને આશરે 100 જેટલી વિદેશી દારૂ અને બિયરની ટીન સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને કુલ ₹2.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉધના બીઆરસી સ્થિત લક્ષ્મીનારાયણ કમ્પાઉન્ડમાંથી પોલીસને બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં કાફેની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને એક ટેમ્પોને અટકાવ્યો હતો. તપાસ કરતાં ટેમ્પોમાં નાના મોટા 99 જેટલા કેરેટ મળી આવ્યા હતા, જેની અંદર વિદેશી દારૂ અને બિયરના ટીન છુપાવવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ટેમ્પોમાં સવાર ત્રણ વ્યક્તિઓ કુલદીપ જમણ ચન્યારા, અશ્વની કુમાર હીરામણ યાદવ અને નીતિન અંબોરેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂનો જથ્થો, એક ફોર વ્હીલ ટેમ્પો, એક મોપેડ અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ ₹2.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પકડાયેલા આરોપીઓ "અજય કાફે" નામની દક્ષિણ ગુજરાતમાં આવેલી વિવિધ બ્રાન્ચોમાં બેકરીનો સામાન ડિલિવરી કરવાનું કામ કરતા હતા. આ માટે તેઓ બંધ બોડીવાળા ટેમ્પોનો ઉપયોગ કરતા હતા. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ શખ્સો સુરતથી વાપી સુધી બેકરીનો સામાન ડિલિવરી કરવા જતા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે દમણ ખાતેથી વિદેશી દારૂ ભરી લાવતા હતા. તેઓ દારૂને કાફેના સામાનના કેરેટની વચ્ચે છુપાવી દેતા હતા, જેથી કોઈને શંકા ન જાય. આ રીતે તેઓ છેલ્લા ઘણા સમયથી કાફેની ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરીનું રેકેટ ચલાવી રહ્યા હતા.
હાલ ઉધના પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ રેકેટ કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને આમાં અન્ય કેટલા લોકો સામેલ છે. પોલીસ દારૂ ક્યાંથી લાવવામાં આવતો હતો અને ક્યાં પહોંચાડવામાં આવતો હતો તે અંગે પણ માહિતી મેળવી રહી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા અવનવી તરકીબોનો ઉપયોગ કરીને દારૂ ઘુસાડવાના પ્રયાસો સતત ચાલુ રહે છે, ત્યારે સુરત પોલીસે આ નવી રીતનો પર્દાફાશ કરીને બુટલેગરોને મોટો ફટકો માર્યો છે. પોલીસની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.





















