ગ્રીષ્માના હત્યારા ફેનિલને સંભળાવાઇ ફાંસીની સજા, કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો
12 ફેબ્રુઆરીએ સુરતના પાસોદરામાં ફેનિલ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની છરાથી ગળું કાપી હત્યા કરી નાંખી હતી
LIVE
Background
ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત ફેનિલને આજે કોર્ટ સજા સંભળાવશે. 21 તારીખે ગ્રીષ્માના હત્યારા ફેનિલને સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. માત્ર 69 દિવસમાં જ ફેનિલને દોષિત ઠેરવાયો હતો. હવે આજે દોષિત ફેનિલને કોર્ટ સજા સંભળાવશે.
ઉલ્લેખનીય છે કે 12 ફેબ્રુઆરીએ સુરતના પાસોદરામાં ફેનિલ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની છરાથી ગળું કાપી હત્યા કરી નાંખી હતી. આ કેસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી અને 23 પંચનામા કરવામાં આવ્યા હતા. 190 જેટલા સાક્ષીઓ અને 188 દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ સાથે ડોક્ટરના, ઇજાગ્રસ્ત વ્યક્તિ, મેડિકલ, સીસીટીવી, ઘટના પેહલાના વિડિયો, ઘટના બાદની ઓડિયો ક્લિપ તમામ પુરાવાઓ રજૂ કર્યા હતા. ફરિયાદ પક્ષ તરફથી 100થી વધુ દસ્તાવેજો અને મૌખિક જૂબાની રજૂ કરવામાં આવી અને ફેનિલને આ દરમિયાન 900થી વધારે સવાલો કરવામાં આવ્યા. જે બાદ 21 એપ્રિલે કોર્ટે ફેનિલેને દોષિત જાહેર કર્યો હતો. આજે કોર્ટ ફેનિલને સજા સંભળાવશે.
ગ્રીષ્માના પરિવારે સુરત પોલીસનો આભાર માન્યો
ગ્રીષ્માના ભાઇએ કહ્યું કે સુરત કોર્ટના ચુકાદાથી પરિવારજનો સંતુષ્ટ છે. કોર્ટના ચુકાદા બાદ અન્ય કોઇ દીકરી સાથે આવુ કૃત્ય કરવાની હિંમત નહી કરે. સુરત પોલીસની કાર્યવાહીના કારણે અમને જલદી ન્યાય મળ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમારા પરિવારના સભ્યની જેમ મદદ કરી. ફાંસીની સજા જાહેર થયા બાદ તેને સત્વરે ફાંસીએ લટકાવાય.
ગ્રીષ્માના પરિવારે શું કહ્યુ?
ગ્રીષ્માના પરિવારે કહ્યું કે ગુજરાત સરકાર, પોલીસ અને વકીલે અમને ખૂબ જ મદદ કરી છે. સુરત કોર્ટે ચુકાદા સમયે કસાબ અને નિર્ભયા કેસનો ઉલ્લેખ કર્યો હતો. દોષિત ફેનિલને ટ્રાયલ સમયે કોઇ પસ્તાવો ન થયો હોવાનો કોર્ટે ચુકાદામાં ઉલ્લેખ કર્યો હતો. સરકારી વકીલે કહ્યું કે ટ્રાયલ દરમિયાન પણ ફેનિલને કોઇ પસ્તાવો નહોતો. મારી કારકિર્દીમાં આ અગત્યનો ચુકાદો છે.
ફેનિલને ફાંસીની સજા
ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા આપવામાં આવી છે. કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો. કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થયાના 70 દિવસ બાદ ફેનિલને ફાંસીની સજા અપાઇ હતી.
ગ્રીષ્મા નિઃસહાય હતી
કોર્ટે કહ્યું કે હત્યા વખતે ગ્રીષ્મા નિઃસહાય હતી. 12 ઈંચનું ચપ્પુ ગ્રીષ્માના ગળા પર હતું. જ્યારે તે આરોપીથી દૂર જવા ઈચ્છતી હતી ત્યારે ગળા પર ઘા કરતા લોહી નીકળવા લાગ્યું હતું. ગળામાંથી લોહીના ફુવારા ઉડ્યા હતા. ગ્રીષ્મા આરોપીના પગમાં પડી તો પણ આરોપીને જરાય દયા આવી નહોતી. લોકોએ આવો હત્યાનો બનાવ કદાચ જ જોયો હશે. જેને કારણે લોકો તેની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા
ફેનિલને કોર્ટમાં લાવવામાં આવ્યો
સુરતમાં ગ્રીષ્મા હત્યા મામલાના દોષિત ફેનિલને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.