મહેશ સવાણીની તબિયત બે દિવસતી નહોતી સારી, હોસ્પિટલમાં ICCUમાં દાખલ, જાણો ડોક્ટરે શું કહ્યું ?
પી. પી. સવાણી હોસ્પિટલ દ્વારા માહિતી અપાઈ છે કે, છેલ્લા 2 દિવસથી મહેશભાઈની તબિયત સારી ન હતી.
સુરતઃ સમાજસેવક, શિક્ષણવિદ, ઉદ્યોગપતિ અને આમ આદમી પાર્ટી (આપ)ના ભૂતપૂર્વ નેતા મહેશ સવાણીને સોમવારે મોડી રાત્રે હાર્ટ એટેક આવતાં તેમના સમર્થકોમાં ચિંતાની લાગણી છે. જો કે તેમની તબિયત સવારે સ્થિર હોવાથી ચિંતાની જરૂર નહીં હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.
મહેશ સવાણીને છાતીમાં દુઃખાવો થતાં તેમને પી.પી. સવાણી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ડોક્ટરોએ સવાણીને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણ થતાં જ તેમને તરત હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી. તેમની એન્જિયોપ્લાસ્ટી કરીને મોડી રાત્રે તેમને ICCUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
પી. પી. સવાણી હોસ્પિટલ દ્વારા માહિતી અપાઈ છે કે, છેલ્લા 2 દિવસથી મહેશભાઈની તબિયત સારી ન હતી. સોમવારે સવારે મહેશભાઈએ તેમનાં પત્નિને પણ કહ્યું હતું કે, તબિયત સારી નથી અને હાર્ટ એટેક ગમે ત્યારે આવશે એવું લાગે છે. તેના પગલે સવારે તેમના બ્લડ રિપોર્ટ કરાવ્યા હતા. બપોરે સુગર લેવલ હાઈ આવ્યા બાદ સોમવારે મોડી રાતે હૃદયમાં દુખાવાની ફરિયાદ તેમના મિત્રો અને પરિવારજનોને કરી હતી. ત્યાર બાદ વધુ પડતો હૃદયમાં દુખાવો છતાં તેમને પી.પી.સવાણી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાં તેમને હાર્ટ-એટેક આવ્યા હોવાનું કહ્યું હતું.
પી. પી. સવાણી હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ ડો. સંજયભાઈ વાઘાણીએ તેમને હાર્ટ એટેક આવ્યો હોવનું નિદાન કરીને સારવાર શરૂ કરાઈ હતી. મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સવાણી અને પુત્ર મિતુલ સવાણી હાજર હોવાથી તેમની સાથે ચર્ચા કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી. તેમની એન્જિયોપ્લાસ્ટી કરીને મોડી રાત્રે તેમને ICCUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
મહેશ સવાણીને ડોક્ટરો દ્વારા હાલ સારવાર આપવામાં આવી રહી છે. પી પી સવાણી હોસ્પિટલ ખાતે તેમના પરિવારના લોકો અને શુભેચ્છકો તેમની તબિયત જાણવા માટે પહોંચ્યા છે. ડોક્ટરોના કહેવા મુજબ હાલ તેમની તબિયત સ્થિર હોવાતી ચિંતાનું કોઈ કારણ નથી.
મહેશ સવાણી થોડા મહિના પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગયા મહિને તેમણે આપ છોડવાનો નિર્ણય કર્યો હતો. ફરીથી તેઓ સમાજસેવાના કાર્યમાં લાગી ગયા હતા.