Custodial Death: લ્યો બોલો! સુરત પોલીસ સ્ટેશનમાં યુવકનું મોત થતા પોલીસે કહ્યું, બુટ કાઢતો હતોને પડી ગયોને મરી ગયો
સુરત: શહેરમાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથનો બનાવ સામે આવ્યો છે. સારોલી પોલીસ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે. સારોલી પોલીસ દ્વારા ગત રાત્રિના રોજ બાઈક પર ત્રણ સવારી જતા યુવક પૈકી બે યુવકોને પકડી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયા હતા.
સુરત: શહેરમાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથનો બનાવ સામે આવ્યો છે. સારોલી પોલીસ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે. સારોલી પોલીસ દ્વારા ગત રાત્રિના રોજ બાઈક પર ત્રણ સવારી જતા યુવક પૈકી બે યુવકોને પકડી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયા હતા. આ દરમિયાન સંદીપ ભરતભાઈ વેકરીયાનું પોલીસમાં શંકાસ્પદ રીતે મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે સંદીપના મોતને લઈને પરિવારજનો દ્વારા પોલીસ પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યાં છે. પોલીસ પર યુવકના કસ્ટોડિયલ ડેથનો આરોપ લગાવી નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.
મૃતકના સંબંધી મહેશ કાનાણીએ કહ્યું કે, ગત રાત્રે મારા મામાનો દીકરો સંદીપ વેકરીયા ઘરે ન આવ્યો હોવાથી મામાએ ઘણા ફોન કર્યા હતાં. 3થી 4 ફોન રિસિવ ન થયા, પરંતુ તેમ છતા મામા ટ્રાય કરતાં હતાં. આ દરમિયાન 9.11 વાગ્યે સંજય નામના વ્યક્તિએ ફોન ઉઠાવીને કહ્યું કે, સંદીપને સારોલી પોલીસ સ્ટેશનમાં ઈજા થતાં સારવાર માટે સ્મીમેર લઈ ગયા છે. જેથી પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સ્મીમેર હોસ્પિટલમાં 9.35 વાગ્યે ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરાયો હતો
ત્યાર બાદ અમે પરિવારજનો સારોલી પોલીસ સ્ટેશન આવ્યા હતાં. ત્યાં ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓએ કહ્યું કે, સંદીપ અને તેના અન્ય બે યુવકો 3 સવારીમાં પકડ્યાં હતા. જેમાં એક ભાગી ગયો અને આ બે વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવ્યા તેમાં બૂટ કાઢતી વખતે લથડી જતાં દિવાલ સાથે માથું અથડાયું હતું. બાદમાં અમે તપાસ કરી તો ત્યાં એવી કોઈ દિવાલ જ નથી કે જ્યાં માથુ અથડાય તો મોત નીપજી શકે. માટે અમારી માગ છે કે આ કેસમાં નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ તપાસ કરીને અમને સીસીટીવીનું રેકોર્ડિંગ આપવામાં આવે.
યુવકના મોતને લઈ સારોલી પોલીસ પર લાગેલા કસ્ટોડિયલ ડેથના ગંભીર આરોપને સામે ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે, આખા સુરત સિટીમાં વાહન ચેકિંગની ડ્રાઇવ ચાલે છે. ત્યારે ગઈકાલે સારોલી પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઇવ કરાઈ હતી. સારોલી પોલીસ સ્ટેશનની પાછળ અવધ માર્કેટનો ચેકિંગ પોઇન્ટ પોલીસનો હતો. ત્યારે પોલીસ વાહનોનું ચેકિંગ કરતા હતા. એ સમય દરમિયાન એક બાઈક પર ત્રણ સવારી યુવકો આવતા હતા.
જેઓ પોલીસને જોતા જ ત્રણમાંથી એક યુવક ઉતરીને ભાગી ગયો હતો. એટલે પોલીસને શંકા ઉપજી જેથી પોલીસે બંને યુવકોને ઊભા રાખી તપાસ કરી હતી. તેમની બાઈકની નંબર પ્લેટ પણ ફેન્સી હતી. ત્યારે તેમની વધુ પૂછપરછ માટે બંનેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. બંનેની તપાસ કરવામાં આવી રહી હતી. તે સમયે સંદીપ વેકરીયાએ પહેરેલા ચપ્પલ સાઈડ પર કાઢી રહ્યો હતો તે જ સમયે સંદીપ વેકરીયાને અચાનક ચક્કર આવ્યા અને તે પડી ગયો. ત્યાર બાદ તેને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. જેથી પોલીસે તાત્કાલિક 108ને કોલ કર્યો અને પોલીસે યુવકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે સ્મીમેરના આધારે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને આ અંગે તપાસ ચાલુ છે. આ આખા રસ્તે અને પોલીસ સ્ટેશન સુધી જેટલા પણ સીસીટીવી આવ્યા છે તે તમામ સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. મૃતદેહને પેનલ ડોક્ટરથી પીએમ કરાવવાનું પણ નક્કી કરાયું છે. આ તપાસને એ-ડિવિઝનના એસીપીને સોંપવામાં આવી છે.