Surat: તબિયત ખરાબ હોવાનું કહી પરિણીતાને ઘરે બોલાવી આચર્યું હતું દુષ્કર્મ , નિવૃત પીએસઆઇની કરાઇ ધરપકડ
સુરતમાં લિંબાયતમાં પરિણીતા પર દુષ્કર્મ આચરનારા નિવૃત પીએસઆઇની ધરપકડ કરવામાં આવી હતી
સુરતમાં લિંબાયતમાં પરિણીતા પર દુષ્કર્મ આચરનારા નિવૃત પીએસઆઇની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, મહિલા પર દુષ્કર્મ આચરનાર આરોપી નિવૃત પીએસઆઇ ડી.એચ.વાઘેલાને ગાંધીનગરથી સુરત લાવવામાં આવ્યો હતો. ડી.એચ.વાઘેલા પર 42 વર્ષીય પરિણીતા પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે. પરિણીતાને તબિયત ખરાબ હોવાનું કહીને ઘરે બોલાવી હતી અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલા ઘરે ટિફિન સર્વિસનું કામ કરતી હતી. નોંધનીય છે કે 42 વર્ષીય મહિલાએ પૂર્વ પીએસઆઇ વિરુદ્ધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પીડિત મહિલાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં પૂર્વ પીએસઆઇ ડીએચ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ટિફિન સર્વિસનું કામ કરતી હતી ત્યારે પૂર્વ પીએસઆઇ ડીએચ વાઘેલાના સંપર્કમાં આવી હતી. દરમિયાન એક દિવસ તબિયત ખરાબ હોવાનું કહીને ડીએચ વાઘેલાએ મને તેમના ઘરે બોલાવી હતી અને મારા પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી તેમણે મને આ વાતની જાણ કોઇને કરશે તો કેસ કરવાની અને જોઇ લેવાની ધમકી આપી હતી. બાદમાં બદનામીના ડરથી મહિલાએ તે સમયે આ ઘટનાની જાણ કોઇને કરી નહોતી પરંતુ બાદમાં તેણે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપી પૂર્વ પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ બાદ લિંબાયત પોલીસે તપાસ શરૂ કરી હતી.
સુરતમાં પ્રેમ પ્રકરણનો આવ્યો કરુણ અંજામ
સુરતના વરાછા પાટીચાલ ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. યુવક પર લવ ટ્રાયેન્ગલમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. એક પ્રેમીએ બીજા પ્રેમી પર હુમલો કર્યો હતો. જેમાં ચિરાગ નામના યુવકનું મોત થયું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેમને બચાવી શકાયો નહોતો.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ચિરાગ એક યુવતી સાથે વરાછા પાટીચાલમાં રહેતો હતો. આ યુવતીના અગાઉ એક યુવક સાથે સંબંધ હતા. એ જ યુવકે ચિરાગ પર હુમલો કર્યો હતો. હુમલો કરી જૂનો પ્રેમી તેની પ્રેમિકાને બળજબરીથી લઈ નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સમગ્ર ઘટના મામલે વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.
સુરતમાં ગેમ રમી રહેલો છોકરો 11માં માળેથી પટકાયો
સુરતમાંથી એક રહસ્યમયી મોતના સમાચાર સામે આવ્યા છે, સુરત શહેરમાં સિટીલાઇટના ક્રિસ એસ્ક્લેવમાં એક કરુણ મોતની ઘટના ઘટી છે. 14 વર્ષીય તરુણ એસ્કલેવના 11માં માળેથી નીચે પટકાયો અને તેનું મોત થઇ ગયુ હતુ, જોકે, આ આપઘાત છે કે અકસ્માત તે અંગે હજુ કોઇ ખુલાસો થયો નથી. માહિતી છે કે સુરતમાં આવેલા સિટીલાઇટના ક્રિસ એસ્કલેવમાં એક 14 વર્ષીય તરુણ મોબાઇલમાં મશગૂલ હતો તે સમયે તે 11માં માળેથી નીચે પટકાયો હતો, આ પછી તેનું મોત થઇ ગયુ હતુ. આ 14 વર્ષીય તરુણનું નામ અયાન જ્યારે ટ્યૂશનથી ઘરે આવ્યો ત્યારે આ ઘટના ઘટી હતી. ક્રિશ એસ્કેલેવમાં રહેતા તરુણના પિતા જીગર વિદાણી જે હીરાના વેપારી છે, તે દરમિયાન કાર રિપેર કરાવવા ગયા હતા, અને ઘરે દીકરો એકલો જ હતો.
Join Our Official Telegram Channel: