સુરતમાં બાળકને જન્મ આપ્યાના 10 દિવસ બાદ માતાની આત્મહત્યા, જામનગરમાં પિતાના ઠપકાથી યુવકે જીવન ટૂંકાવ્યું
Gujarat News: રાજ્યમાં બે આત્મહત્યાની ઘટના સામે આવી છે. પ્રથમ વાત કરીએ જામનગરની તો અહીં એક યુવકે આત્મહત્યા કરી લીધી છે જ્યારે બીજી ઘટના સુરત ખાતે સામે આવી છે.

Gujarat News: રાજ્યમાં બે આત્મહત્યાની ઘટના સામે આવી છે. પ્રથમ વાત કરીએ જામનગરની તો અહીં એક યુવકે આત્મહત્યા કરી લીધી છે જ્યારે બીજી ઘટના સુરત ખાતે સામે આવી છે. અહીં એક યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. આમ બે આત્મહત્યાની ઘટનાથી અરેરાટી મચી જવા પામી છે.
જામનગર: મેડિકલ વિદ્યાર્થીએ કર્યો આપઘાત
જામનગરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને પોતાની જિંદગી ટૂંકાવી લીધી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મુવાણા ગામના રહેવાસી વિવેક પરમાર જામનગર મેડિકલ કોલેજની હોસ્ટેલના રૂમ નંબર C-21, 01 માં રહેતો હતો અને અભ્યાસ કરતો હતો. ગત રોજ વિવેકે પોતાના જ રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં નોંધાયું છે કે મૃતક વિવેકે પોતાના મિત્રો પાસેથી હાથ ઉછીના નાણાં લીધાં હતાં. આ સંદર્ભે તેના પિતાએ ઠપકો આપ્યો હતો. પોલીસનું અનુમાન છે કે પિતાના આ ઠપકાથી વિવેકને મનમાં લાગી આવ્યું હશે, જેના કારણે તેણે અંતિમ પગલું ભરીને જીવન ટૂંકાવી લીધું. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત: સિવિલ હોસ્પિટલ પરિસરમાં નવજાત બાળકની માતાનો આપઘાત
સુરતની સિવિલ હોસ્પિટલ પરિસરમાં એક 26 વર્ષીય યુવતીની આત્મહત્યાની ઘટનાથી હડકંપ મચી ગયો છે. યુવતીની લટકતી હાલતમાં લાશ મળી આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
મૃતક યુવતીની ઓળખ પૂજા કુશવાહ (મૂળ યુપીની રહેવાસી) તરીકે થઈ છે, જે છેલ્લા ઘણા સમયથી સુરતના હજીરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી. પૂજાને ડિલિવરી માટે દસ દિવસ પૂર્વે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેણે એક બાળકને જન્મ આપ્યો હતો. બાળક બીમાર હોવાથી છેલ્લા 10 દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે.
શુક્રવારના રોજ સારવાર દરમિયાન યુવતી હોસ્પિટલમાંથી અચાનક ગુમ થઈ ગઈ હતી. ત્યારબાદ આજે સવારે સ્ટેમસેલ બિલ્ડીંગ અને કોવિડ બિલ્ડીંગ સામે ઝાડ પર તેની લટકતી હાલતમાં લાશ મળી આવી હતી.
માત્ર 10 દિવસના માસૂમ બાળકને જન્મ આપ્યા બાદ માતા દ્વારા આત્મહત્યા કરી લેવાતા, આ દુઃખદ ઘટનાથી 10 દિવસીય બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. યુવતીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.





















