સુરતમાં કોરોનાનો કાળો કેરઃ બે ઓમીક્રોન શંકાસ્પદ આવ્યા, સ્કૂલોમાં પણ થઈ કોરોનાની એન્ટ્રી
કેપિટલ ગ્રીનમાં 3 લોકોને કોરોના આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. 46 લોકોનું ટેસ્ટિંગ કરાયું. કેપિટલ ગ્રીનને ક્લસ્ટર જાહેર કરાયું છે. સુરતની વધુ 2 સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી થઈ છે.
સુરતઃ વેસુ VIP રોડ ખાતે વધુ એક એપાર્ટમેન્ટમાં કોરોનાના કેસો આવતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. કેપિટલ ગ્રીનમાં 3 લોકોને કોરોના આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. 46 લોકોનું ટેસ્ટિંગ કરાયું. કેપિટલ ગ્રીનને ક્લસ્ટર જાહેર કરાયું છે.
આ ઉપરાંત સુરતની વધુ 2 સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. પીપી સવાણી સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. પીપી સવાણીમાં બંને વિદ્યાર્થીઓ ધોરણ 10માં અભ્યાસ કરે છે. પીપી સવાણીમાં 380 લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું. તમામ નેગેટિવ આવ્યા છે. ફાઉન્ટેન હેડ સ્કૂલમાં 1 વિદ્યાર્થી અને 1 શિક્ષક કોરોના પોઝિટિવ આવતાં 147 લોકોનું ટેસ્ટિંગ કરાયું. જોકે, તમામ નેગેટિવ આવ્યા છે. સલામતીના ભાગરૂપે વર્ગો બંધ કરાયા છે.
આ સાથે સુરતમાં ઓમીક્રોનના વધુ 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. કેનેડા અને યુકેથી આવેલા બે લોકોના સેમ્પલ લેવાયા હતા. વેસુનો આધેડ અને પારલે પોઇન્ટનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા દોડધામ થઈ ગઈ હતી. જીનોમ સિક્વનસિંગ માટે મોકલવામાં આવ્યા. આ કેસમાં 43 લોકો ના સેમ્પલ લેવાયા. તમામ ના રિપોર્ટ પેન્ડિંગ આવ્યા છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 98 કેસ નોંધાયા છે. બીજી તરફ 69 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,198 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 મોત થયા છે. આજે 1,75,539 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 32, સુરત કોર્પોરેશન 18, વડોદરા કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશન 7, કચ્છ 6, વલસાડ 5, ખેડા 3, રાજકોટ 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, જૂનાગઢ કોર્પોરેશનમાં 2, નવસારી 2, સાબરકાંઠા 2, વડોદરા 2, ભાવનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1 અને સુરતમાં 1 નવો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 694 કેસ છે. જે પૈકી 8 વેન્ટીલેટર પર છે, જ્યારે 686 નાગરિકો સ્ટેબલ છે. 8,18,198 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10111 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે અમદાવાદ કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશનમાં 1 અને પોરબંદરમાં 1 મોત થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 506 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 5428 લોકોને પ્રથમ અને 41887 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 17788 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 109927 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,75,539 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,80,73,273 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.