Surat: એક જ પરિવારના 5 સભ્યોને કોરોના, રસીના બંને ડોઝ લીધા હોવા છતાં કોરોના થતાં ખળભળાટ, ત્રણ વર્ષનાં ટ્વિન્સ પણ ભોગ બન્યાં
સુરતના રાંદેર અડાજણ વિસ્તારમાં આખો પરિવાર કોરોના સંક્રમિત થયો હોવાની આ ઘટનામાં એક જ પરિવારના બે બાળકો સહિત 5 સભ્યો કોરોના સંક્રીમત થયા છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઉછાળાની ચેતવણી વચ્ચે શનિવારે સુરત શહેરમાં એક જ પરિવારના પાંચ સભ્યોને કોરોના થતાં ખળભળાટ મચ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ પરિવારનાં બાળકોને બાદ કરતાં પુખ્ત વયનાં તમામ સભ્યોએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોવા છતાં કોરોના થઈ ગયો છે.
સુરતના રાંદેર અડાજણ વિસ્તારમાં આખો પરિવાર કોરોના સંક્રમિત થયો હોવાની આ ઘટનામાં એક જ પરિવારના બે બાળકો સહિત 5 સભ્યો કોરોના સંક્રીમત થયા છે. આ પરિવારના વડીલ પુણે લગ્નમાં ગયા હતા અને ત્યાંથી ચેપ લાગ્યાની શક્યતા છે. અડાજણ વિસ્તારમાં આખો પરિવાર સંક્રમિત થતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. વધારે ચિંતાની વાત એ છે કે, આ પરિવારના પુખ્ત વયના સભ્યોએ વેકસીનના બન્ને ડોઝ પણ લીધા હતા. શનિવારે સુરતમાં એક દિવસ માં 7 પોઝિટિવ કેસો આવ્યા હતા અને તે તમામ રાંદેર ઝોનમાંથી મળ્યા છે. આ પૈકી 5 દર્દી તો આ એક જ પરિવારના છે જ્યારે બાકીના 2 અન્ય પરિવારના છે. 5 કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે.
આનંદ મહલ રોડના પવિત્ર રો-હાઉસમાં રહેતા પરિવારમાં 67 વર્ષના વૃધ્ધ, 35 વર્ષનો પુત્ર, 31 વર્ષની વહુ અને 3 વર્ષના બે ટ્વીન્સ પૌત્ર પોઝિટિવ આવ્યા છે. થોડા દિવસો અગાઉ આ પરિવાર પૂના દીકરીને ત્યાં ગયો હતો. જ્યાંથી પરત ફર્યા બાદ પહેલા વૃધ્ધ અને પછી બાકીનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બાકીના ચારેય સભ્યને કોઇ જ લક્ષણ નથી. વૃધ્ધ, તેમના પુત્ર અને વહુ ત્રણેય ફુલ્લી વેક્સિનેટેડ છે. આ ઉપરાંત 2 કેસ પાલ સિમંઘર કોમ્પલેક્ષના છે. જેમાં 67 વર્ષના પિતા અને 37 વર્ષનો પુત્ર સંક્રમિત થયા છે. શહેરના 7 અને જિલ્લામાં 1 કેસ સાથે કુલ 8 કેસ પોઝિટિવ નોંધાયા છે. સુરતમાં કોરોનાના કેસો ન વધે એટલા માટે ખાસ પગલાં લેવાયાં છે.