Surat: હીરાના જાણીતા વેપારીએ મુંબઈમાં 185 કરોડનું ખરીદ્યું આલીશાન મકાન, જાણો કોની પાસે પહેલા હતી આ પ્રોપર્ટી
પનહર બંગ્લો તરીકે ઓળખાતી પ્રોપર્ટી પહેલા એસ્સાર ગ્રુપ પાસે હતી. હરેકૃષ્ણ એકેસપોર્ટ્સનું ટર્નઓવર 7000 કરોડ રૂપિયાથી વધારે છે. કંપનીએ સુરત, મુંબઈ સહિત વિદેશમાં કારોબારનું ઘણું વિસ્તરણ કર્યુ છે.
સુરતઃ જાણીતા હીરા કારોબારી સવજી ધોળકિયા અને તેના પરિવારે મુંબઈના વર્લી સી ફેસમાં 185 કરોડ રૂપિયાની રહેણાંક પ્રોપર્ટી ખરીદી છે. ધોળકિયાના હરે કૃષ્ણ એક્સપોર્ટ દ્વારા છ માળની બિલ્ડિંગ ખરીદવામાં આવી છે.
કોના નામે રજિસ્ટર્ડ થઈ છે પ્રોપર્ટી
પનહર બંગ્લો તરીકે ઓળખાતી આ પ્રોપર્ટી પહેલા એસ્સાર ગ્રુપ પાસે હતી. 20 હજાર સ્કવેર ફૂટની આ પ્રોપર્ટી સવજી ધોળકિયાના નાના ભાઈ ઘનશ્યામ ધોળકિયાના નામે રજિસ્ટર્ડ થઈ છે. આ બિલ્ડિંગમાં આશરે 15 એપાર્ટમેન્ટ છે.
શું કહ્યું સવજી ધોળકિયાએ
સવજી ધોળકિયાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, અમે અમારા સ્ટાફ અને પરિવાર માટે પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતા હતા. અમે એસ્સાર ગ્રુપ પાસેથી આ ખરીદી છે. તે એવી જગ્યાએ આવેલી છે કે જ્યાંથી અમારી ઓફિસે સરળતાથી પહોંચી શકાશે. તેમણે કહ્યું, અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ સાંતાક્રૂઝ ઈલેકટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (SEEPZ) સેઝમાં અને ઓફિસ બાંદ્રા કુર્લા કોમ્પલેક્સમાં આવેલી છે. મુંબઈમાં અમારી પાસે કેટલીક રહેણાંક પ્રોપર્ટી છે પરંતુ આ પ્રોપર્ટીથી અમે અમારા વધુ કર્મચારી અને ફેમિલી મેમ્બર્સને સુવિધા આપી શકીશું.
કેટલું છે કંપનીનું ટર્નઓવર
હરેકૃષ્ણ એકેસપોર્ટ્સનું ટર્નઓવર 7000 કરોડ રૂપિયાથી વધારે છે. છેલ્લા 30 વર્ષમાં કંપનીએ સુરત, મુંબઈ સહિત વિદેશમાં કારોબારનું ઘણું વિસ્તરણ કર્યુ છે.
ગુજરાતમાં જુલાઈ મહિનામાં કોરોનાના કેટલા કેસ નોંધાયા
ગુજરાતમાં જુલાઇ મહિના દરમિયાન કોરોનાની ગતિ મંદ પડી છે. જુલાઇ મહિનામાં કોરોનાના ૧૩૫૪ નવા કેસ સામે આવ્યા હતા જ્યારે ૧૭ના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ પૈકી ૧૮ જુલાઇ બાદ કોરોનાથી એકપણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી.ગુજરાતમાં એક સમયે એવી સ્થિતિ હતી કે પ્રત્યેક દિવસે ૧૩૦૦થી વધુ કેસ નોંધાતા હતા. જેની સરખામણીએ હવે પૂરા મહિના દરમિયાન કુલ ૧૩૫૪ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૭ નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ ૧૩માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં હાલ ૨૫૨ એક્ટિવ કેસ છે જ્યારે ૬ દર્દી વેન્ટિલેટર પર છે. જુલાઇના પ્રારંભે રાજ્યમાં ૨૭૯૪ એક્ટિવ કેસ હતા.