(Source: ECI/ABP News/ABP Majha)
Surat : AAP છોડનારા સવાણીને કોર્પોરેટર બહેનોએ રડતી આંખે પક્ષ નહીં છોડવા કરી વિનંતી, એક કોર્પોરેટર તો પગમાં પડી ગયા
આ સમયે આપની કોર્પોરેટર યુવતીઓ રડી પડી હતી અને પક્ષ ન છોડવા વિનંતી કરી હતી. આ સમયે એક કોર્પોરેટર તો તેમના પગે પડી ગયા હતા અને પક્ષ ન છોડવા આજીજી કરી હતી.
સુરતઃ આમ આદમી પાર્ટી છોડ્યા પછી મહેશ સવાણીને સુરત ખાતે શહેર કોર્પોરેશનના સભ્યો મળવા પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીની કોર્પોરેટર ટીમે મહેશ સવાણીની મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા તેમજ સુરત મહાનગરપાલિકાનાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીનાં નેતૃત્વમાં કોર્પોરેટરો મુલાકાત કરી હતી.
આ સમયે આપની કોર્પોરેટર યુવતીઓ રડી પડી હતી અને પક્ષ ન છોડવા વિનંતી કરી હતી. આ સમયે એક કોર્પોરેટર તો તેમના પગે પડી ગયા હતા અને પક્ષ ન છોડવા આજીજી કરી હતી. કોર્પોરેટર રચના હિરપરા, વિપુલ સુહાગીયા, પાયલ સાકરિયા, શોભના કેવડીયા, મોનાલી હિરપરા, અશોક ધામી સહિતની કાર્યકર્તાઓની ટીમ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા મહેશ સવાણીને મળ્યા હતા. આમ આદમી પાર્ટી ન છોડવા માટે રજૂઆત કરી હતી. સૌ સાથે મળીને પરિવર્તનની લડાઈ લડવાની હાંકલ કરવા માટે આમ આદમી પાર્ટી કાર્યકર્તા ટીમ મહેશ સવાણીને મળી હતી.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો પડ્યો છે. સમાજ સેવક અને ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. સુરતના જાણિતા સમાજસેવક અને ઉદ્યોગપતિ મહેશ સવાણી હવે માત્ર સમાજસેવા પર ધ્યાન કેંદ્રીય કરશે. મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી છોડી પત્રકાર પરિષદ કરી હતી. મહેશ સવાણીએ કહ્યું આપમાં આવવાથી પરિવારને સમય આપી શકતો નથી. સમાજ સેવા માટે સમય નથી મળતો. મેં પહેલા કહ્યું હતું કે રાજનીતિમા આવી સારી સેવા કરીશ. મને કોઈ હોદ્દાનો રસ નથી. હું સેવાનો માણસ છું, રાજનીતિનો માણસ નથી.
મહેશ સવાણીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું સેવા કરવાનો મોકો મળે તે માટે ક્યાં જોડાવું તે સમય પ્રમાણે નક્કી કરીશ. રાજીખુશીથી આમ આદમી પાર્ટી છોડી છે.
આ પહેલાં આજે સવારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પડેલા એક મોટા ફટકામાં જાણીતા ગાયક વિજય સુવાળા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિજય સુવાળાને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. એ પછી આમ આદમી પાર્ટીનાં નીલમબેન વ્યાસ પણ ભાજપમાં જોડાઈ ગયાં હતાં. આમ એક જ દિવસમાં આમ આદમી પાર્ટીને ત્રીજો ફટકો પડ્યો છે.
મહેશ સવાણી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જૂન, 2021ની સુરતની મુલાકાતે વખતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને 'આપ'નો ખેસ પહેર્યા બાદ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. મહેશ સવાણી ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
'આપ'માં જોડાયા બાદ મહેશ સવાણીએ કહ્યું હતું કે, 'મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું. ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. સત્તાધીશો મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું. પણ મેં નક્કી કર્યું છે કે, ભલે મારે જેલમાં જવું પડશે, ભલે બે-બે ગોળી મારી દેશે. મેં નવી જમીન પસંદ કરી છે.
મહેશ સવાણી સુરતના જાણીતા પાટીદાર ઉદ્યોગપતિ છે. તેઓ મૂળ ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના વતની છે અને પીપી. સવાણી ગ્રુપના સંચાલક છે. ડાયમંડ, એજ્યુકેશન, રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. 2019માં તેમણે ભાજપમાંથી ટિકિટ માગી હતી. મહેશ સવાણી અનાથ દીકરીઓના લગ્ન કરાવે છે. 2008થી તે મોટા પાયે આવા સમૂહ લગ્નોનું આયોજન કરે છે.