Surat: સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે મિત્રતા યુવતીને ભારે પડી, જાણો વધુ વિગતો
સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે મિત્રતા સુરતની યુવતીને ભારે પડી છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા યુવકના સંપર્કમાં શહેરની એક યુવતી ઈન્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવી.
સુરત: સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે મિત્રતા સુરતની યુવતીને ભારે પડી છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા યુવકના સંપર્કમાં શહેરની એક યુવતી ઈન્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવી હતી. જો કે બાદમાં આ યુવકે તેના બે મિત્રો સાથે મળીને બિભત્સ ફોટા ડાઉનલોડ કર્યા અને બાદમાં ચહેરો મોર્ફ કરી રૂપિયાની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અડાજણમાં પંચરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા રવિરાજ ઓમપ્રકાશ સરગ્રા, ઉધના સિલીકોન શોપર્સની પાસે સત્યનગરની સોસાયટીમાં રહેતા તુષાર બારડોલીયા અને મહિધ૨પુરા ભવાની માતાના મંદિર નજીક હરિપુરામાં રહેતા નિર્મલ ચૌહાણની ધરપકડ કરી છે.
દહેગામથી ઉમેદવાર બદલ્યા
આમ આદમી પાર્ટીએ દહેગામથી ઉમેદવાર બદલ્યા છે. યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરાઈ છે. યુવરાજસિંહને સાત બેઠકોની જવાબદારી સોંપાઈ છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી યુવરાજસિંહના નામની જાહેરાત થઈ હતી. યુવરાજસિંહના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત થતાં હાલ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ 12મું લિસ્ટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા 12 મી યાદીમાં વધુ સાત ઉમેદવારનો નામ જાહેર કરવામાં આવ્યા છે. અંજારથી અર્જુન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીંબડીથી મયુર સાકરિયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી શ્વેતલ વ્યાસ અને ઝઘડિયાથી ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે.
જૂનાગઢમાં કેજરીવાલે કર્યો રોડ શો
આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જુનાગઢના પ્રવાસે આવ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢમાં આજે કેજરીવાલના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કાળવા ચોકથી આઝાદ ચોક સુધી રોડ શોનું આયોજન કરાયું હતું. 500 મીટરના રોડ શોમાં અંદાજિત 2000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. કેજરીવાલે જણાવ્યું હતું કે જો આગામી ચૂંટણીમાં આપ પાર્ટીની સરકાર બનશે તો મફત વીજળી આપવામાં આવશે. આ ઉપરાંત સરકારી શાળાનું સ્તર પણ સુધારવામાં આવશે. સાથે-સાથે આરોગ્ય સેવા પણ વધુ સારી બનાવવાની કેજરીવાલે ખાતરી આપી હતી. જુનાગઢ વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર ચેતન ગજેરાને મત આપી વિજય બનાવવા પણ કેજરીવાલે જનતા સમક્ષ અપીલ કરી હતી.