સુરતમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના! માતા-પિતાની ભૂલને કારણે એક વર્ષની બાળકી ઝૂલામાં જ લટકી ગઈ!
ભેસ્તાન વિસ્તારની સંગમ સોસાયટીમાં બની કરુણ ઘટના, માતાની લાપરવાહીથી સર્જાયો અકસ્માત, પરિવાર શોકમાં ગરકાવ.

Surat toddler death: સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સંગમ સોસાયટીમાં એક અત્યંત દુઃખદ અને હીંચકારી ઘટના સામે આવી છે. અહીં ઝૂલામાં સૂતેલી માત્ર એક વર્ષની બાળકી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભેસ્તાન વિસ્તારની સંગમ સોસાયટીમાં રહેતી એક મહિલા પોતાની એક વર્ષની બાળકીને ઝૂલામાં સૂવડાવીને ઘરના કામમાં વ્યસ્ત હતી. બાળકી સુરક્ષિત રહે તે માટે માતાએ તેના પેટના ભાગે એક રૂમાલ બાંધ્યો હતો. પરંતુ, કમનસીબે આ રૂમાલ ખસીને બાળકીના ગળાના ભાગે આવી ગયો અને ફાંસો બની ગયો.
થોડા સમય બાદ માતાએ બાળકીને જોવા માટે ઝૂલા પાસે ગઈ તો તેની આંખો ફાટી ગઈ હતી. બાળકી ઝૂલામાં લટકતી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને માતાના હોશ ઉડી ગયા હતા અને તેણે તાત્કાલિક બાળકીને નીચે ઉતારી.
ગભરાયેલી માતા તરત જ બાળકીને લઈને નજીકની સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી. જો કે, હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. તબીબોએ જણાવ્યું કે ગળાફાંસો લાગવાના કારણે બાળકીનું શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયું છે.
માત્ર એક વર્ષની માસૂમ બાળકીના આકસ્મિક મોતથી પરિવારમાં ભારે આઘાત અને શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટનાએ માતા-પિતાની લાપરવાહીના કારણે સર્જાતા આવા દુઃખદ બનાવો અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે. પોલીસે આ ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટના તમામ માતા-પિતા માટે એક ચેતવણી સમાન છે કે નાના બાળકોની દેખરેખ રાખવામાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ.
નોંધનીય છે કે, આ પહેલા સુરત શહેર ફરી એકવાર હચમચી ગયું હતું, જ્યારે કતારગામ વિસ્તારમાં એક અત્યંત ગંભીર અને શરમજનક ઘટના બની હતી. 14 માર્ચની મોડીરાત્રે કતારગામમાં માત્ર છ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી હતી.
બાળકી તેના પરિવાર સાથે કતારગામ વિસ્તારમાં મહાનગરપાલિકાના ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન પાસે સૂઈ રહી હતી ત્યારે રાત્રિના સમયે એક અજાણ્યો શખસ આવ્યો અને બાળકીને ઊંચકીને લઈ ગયો હતો. ચાર્જિંગ સ્ટેશનથી નજીકના મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં આરોપીએ બાળકી પર દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ તેને લોહીલુહાણ હાલતમાં ચાર્જિંગ સ્ટેશન પાસે છોડીને ફરાર થઈ ગયો હતો.
15 માર્ચની સવારે બાળકીની માતાએ તેને લોહીલુહાણ હાલતમાં જોઈને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલ ખસેડી હતી. હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને બાળકીના સાવકા પિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ તપાસ શરૂ કરી હતી અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં અપહરણના ફૂટેજ મળી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ બાળકીનું સ્મિમેર હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેની સ્થિતિ હાલમાં સ્થિર છે. ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું હતું કે પોલીસ આરોપીને પકડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે અને બાળકીએ આપેલા વર્ણનના આધારે તપાસ આગળ વધી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
