(Source: ECI/ABP News/ABP Majha)
સુરતના સચિન GIDC વિસ્તારમાં શાળાએથી છૂટીને તળાવમાં નહાવા પડેલા બે બાળકોનાં ડૂબી જવાથી મોત
સચિન GIDC વિસ્તારમાં મોડી રાત્રે જીઆવ બુડિયા ગામના તળાવમાં બે બાળક ડૂબવાની ઘટના સામે આવી છે. શાળએથી છુટીને બંને બાળકો તળાવમાં નહાવા પડ્યા હતા. જ્યાં બંને બાળકોનાં ડૂબી જવાથી મોત થયા છે.
Surat: સચિન GIDC વિસ્તારમાં મોડી રાત્રે જીઆવ બુડિયા ગામના તળાવમાં બે બાળક ડૂબવાની ઘટના સામે આવી છે. શાળએથી છુટીને બંને બાળકો તળાવમાં નહાવા પડ્યા હતા. જ્યાં બંને બાળકોનાં ડૂબી જવાથી મોત થયા છે. મોડી સાંજે બનેલી આ ઘટના બાદ પોલીસ અને ફાયરના જવાનો દોડતા થઈ ગયા હતા. તળાવ કિનારે બાળકોનાં કપડાં મળી આવ્યાં બાદ તેઓ ડૂબી ગયાં હોવાની વાત બહાર આવતાં ફાયરે શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત સુધી બાળકોની શોધખોળ બાદ પણ ન મળતાં આજે સવારથી જ બોટ લઈ બાળકોના મૃતદેહ શોધવા તળાવમાં ઊતર્યા હતા.
મોડી રાતથી ચાલુ કરેલી શોધખાળ બાદ આખરે આજે સવારે ઘટનાના 10 કલાક બાદ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયર વિભાગે પાણીમાં ગરકાવ થયેલા મૃતદેહોને બહાર કાઢ્યા છે. ઉલ્લેખનિય છે કે, સ્કૂલેથી છૂટ્યા બાદ બંને બાળકો તળાવમાં નહાવા પડ્યા હતા જેથી બંને બાળકો મોતને ભેટ્યા હતા.
આ ઘટના મંગળવારની રાત્રે બની હતી અને ત્યારા બાદ કોલ મળતાં જ તાત્કાલિક પોલીસ સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અંદાજે 9થી 11:30 સુધી રાત્રીના અંધારામાં તળાવમાં ગરકાવ બાળકોની શોધખોળ કરાઈ હતી. જોકે કોઈ ભાળ મળી ન હતી. ત્યારબાદ આજે વહેલી સવારે 9 વાગ્યાથી બોટ લઈ ફાયરના જવાનો તળાવમાં ઉતર્યા હતા. ફાયરના જવાનોએ 3 કલાકમાં જ બન્ને બાળકોના મૃતદેહ તળાવના પાણીમાંથી શોધી કાઢ્યા હતા. હાલ બંને બાળકોના મૃતદેહનો કબજો પોલીસને સોંપવામાં આવ્યો છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બાળકો 12 અને 13 વર્ષનાં હોવાનું હાલ સામે આવ્યું છે. બાળકોનાં પરિવારજનો પણ તળાવ પર દોડી આવ્યાં હતાં. રાત્રે તળાવ કિનારેથી મળી આવેલાં કપડાં બાદ બાળકોની શોધખોળ માટે ફાયરની મદદ લેવામાં આવી હતી. ઘટનાને લઈ પરિવારજનો શોકમાં ડૂબી ગયાં છે. મૃતક બાળકોનાં નામ અજમેર સહિમ અંસારી અને પઠાણ આબિદ અમજદ છે. આબિદ પોતાના પરિવારનો એકનો એક દીકરો હતો. એકનો એક દીકરો ગુમાવતાં પરિવાર શોકમાં ડૂબી ગયો છે.