અમેરિકાએ ભારતને આપી મોટી ઓફર, શું પુતિન સાથે સંબંધ તોડશે પીએમ મોદી?
યુક્રેન સંકટને લઈને પશ્ચિમી દેશો દ્વારા વારંવાર અપીલ કરવા છતાં ભારતે રશિયન હુમલાની નિંદા કરી નથી. ભારતના આ વલણ પાછળનું એક મોટું કારણ લશ્કરી શસ્ત્રો માટે રશિયા પર નિર્ભરતા છે.
યુક્રેન સંકટને લઈને પશ્ચિમી દેશો દ્વારા વારંવાર અપીલ કરવા છતાં ભારતે રશિયન હુમલાની નિંદા કરી નથી. ભારતના આ વલણ પાછળનું એક મોટું કારણ લશ્કરી શસ્ત્રો માટે રશિયા પર નિર્ભરતા છે. અમેરિકા પણ ભારતની આ મજબૂરીને સમજે છે અને હવે તેણે ભારતને મોટી ઓફર કરી છે.
અમેરિકાએ રશિયાના હથિયારોની ટીકા કરતા કહ્યું છે કે તેઓ ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ કરવા ઉત્સુક છે. અમેરિકાએ કહ્યું છે કે ભારતે એ વિચારવાની જરૂર છે કે શું શસ્ત્રો માટે રશિયા પર તેની નિર્ભરતા વાજબી છે કારણ કે રશિયાની લગભગ 60 ટકા મિસાઇલો કામ કરવાની સ્થિતિમાં નથી. અમેરિકાએ ભારતને કહ્યું છે કે યુદ્ધના મેદાનમાં રશિયન શસ્ત્રોનું પ્રદર્શન કેટલું ખરાબ છે.
અમેરિકા ભારતને હથિયાર આપશે
રાજનૈતિક બાબતો પર અમેરિકાની વિદેશ સેક્રેટરી વિક્ટોરિયા નુલેન્ડે બુધવારે એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી. તેમણે કહ્યું કે તેમણે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા સાથે રુસ-યુક્રેન યુદ્ધ અંગે વાત કરી છે અને અમેરિકા સંરક્ષણ પુરવઠા માટે રશિયા પર નિર્ભરતા સમાપ્ત કરવા ભારતને મદદ કરવા તૈયાર છે.
રશિયા-ચીનની નિકટતા ભારત-અમેરિકા માટે યોગ્ય નથી
રશિયા-ચીન સંબંધોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, યુક્રેન પરના હુમલા વચ્ચે રશિયાએ ચીન પાસે મદદ માંગી છે. તે ચીન પાસેથી પૈસા અને હથિયારોની મદદ માંગી રહ્યું છે. આનાથી રશિયા અને ચીન વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે, જે ન તો આપણા માટે યોગ્ય છે અને ન તો ભારત માટે. રશિયા રાસાયણિક અને જૈવિક શસ્ત્રોના ઉપયોગને લઈને બેજવાબદાર નિવેદનો આપી રહ્યું છે. એવા સમયે જ્યારે ઉગ્રવાદી શક્તિઓ એક થઈ રહી છે, ત્યારે ભારત અને અમેરિકા જેવા લોકશાહી દેશોએ સાથે ઊભા રહેવું જરૂરી છે.