(Source: ECI/ABP News/ABP Majha)
MS યુનિવર્સિટી નજીક ફિલ્મી દ્રશ્યો સર્જાયા, યુવકે તલવાર સાથે કેમ્પસમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો
વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી નજીક ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે. એક યુવક ખુલ્લી તલવાર સાથે યુનિવર્સિટીના પોલિટેક્નિક કેમ્પસમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો.
વડોદરા: વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી નજીક ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે. એક યુવક ખુલ્લી તલવાર સાથે યુનિવર્સિટીના પોલિટેક્નિક કેમ્પસમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે યુવક કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા જ યુનિવર્સિટીની વિજિલન્સ ટીમે તાત્કાલિક પોલીસને જાણ કરી. ફતેગંજ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવકને તલવાર અને બેટ સાથે દબોચી લીધો હતો.
પોલીસે યુવકની અટકાયત કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે બે યુવક વચ્ચે એક યુવતીને લઈ છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ ચાલતી હતી. હાલ તો પોલીસના હાથે દેવ રોય નામનો યુવક પકડાઈ ગયો. જ્યારે અન્ય યુવકને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો છે.
ચૂંટણી પહેલા આ સમાજમાં બે ફાંટા! રાજકોટમાં એક સાથે યોજાયા બે સંમેલનો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓની સાથે સાથે વિવિધ સમાજના આગેવાનો પણ સક્રીય થયા છે. ઘણા રાજકીય આગેવાનો પોતાના સમાજના લોકોનું સંમેલન કરી રહ્યા છે. જો કે ચૂંટણી પહેલા કોળી સમાજમાં બે ફાંટા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે વિગતે વાત કરીએ તો, રાજકોટમાં ચુવાડિયા કોળી સમાજનું સંમેલન યોજાયું છે. વેલનાથ સેનાના બેનર હેઠળ દેવજી ફતેપરા દ્રારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, સંમેલન પહેલા જ ચુવાડિયા કોળી સમાજમાં બે ફાંટા પડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દેવજી ફતેપરાના સંમેલનની સાથે સાથે રાજકોટના હેમુ ગઢવી હોલમાં ચુવાડિયા કોળી સમાજનું બીજુ સંમેલન યોજાયું હતું. ગુજરાત ચુવાડિયા કોળી સમાજના પ્રમુખ ધર્મેશ જિંજુવાડીએ પણ હેમુગઢવી હોલમાં સંમેલન બોલાવ્યું હતું. જેને લઈને રાજકારણ ગરમાયું છે.
તો બીજી તરફ હેમુ ગઢવી હોલમાં યોજાયેલા આ સંમેલન અંગે દેવજી ફતેપરાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, તે સંમેલન કોંગ્રેસ પ્રેરિત છે. ચુવાડિયા કોળી સમાજના જ બે સંમેલનને કારણે સમાજમાં બે ફાંટા પડ્યા છે. દેવજી ફતેપરાએ કહ્યું કે, મારા સંમેલનમાં માત્ર ભાજપ પ્રેરિત ચુવાડિયા કોળી સમાજને જ આમંત્રણ અપાયુ છે.
જો કે, હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા સંમેલન અંગે ગુજરાત ચુવાડીયા કોળી સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર જીંજુવાડિયાએ કહ્યું કે, આ માત્ર સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમારો કાર્યક્રમ રાજકીય કાર્યક્રમ નથી. દેવજી ભાઈનો કાર્યક્રમ રાજકીય કાર્યક્રમ છે. દેવજી ભાઈ આમારા વડીલ છે. દેવજી ભાઈનો કાર્યક્રમ અને અમારો કાર્યક્રમ સંજોગોવશાત ભેગો થયો છે.