ગુજરાતના આ શહેરમાં પોલીસનું વેપારીઓને અલ્ટીમેટમ, 30 જૂન સુધીમાં રસી લો નહીં તો થશે કાર્યવાહી
વેપારીઓએ આરોપ લગાવ્યો કે, વડોદરામાં કોરોનાની રસીનો જથ્થો ઓછો પહોંચી રહ્યો છે. જેથી સરકાર પહેલા રસી પહોંચાડવાની વ્યવસ્થા કરે.

એક તરફ કોરોનાની રસી નહીં હોવાથી લોકોને ધક્કા ખાવા પડે છે. તો બીજી તરફ રસી નહીં લેનારા વડોદરાના વેપારીઓ સામે કાર્યવાહી કરવાની પોલીસે જાહેરાત કરી છે. જેને લઈ વેપારીઓમાં આક્રોશ વ્યાપ્યો છે. પોલીસે એવી જાહેરાત કરી છે કે વડોદરાના મંગલબજાર, લહેરીપૂરા ન્યુ રોડ વિસ્તારના વેપારીઓએ 30 જૂન સુધીમાં રસી ફરજિયાત લેવાની રહેશે. રસી નહીં લેનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની વાત પણ પોલીસે કરી.
જોકે પોલીસની જાહેરાત સામે વેપારીઓએ વિરોધ દર્શાવ્યો છે. વેપારીઓએ જણાવ્યું કે, 30 જૂનની જગ્યાએ 15 જુલાઈ કે 31 જુલાઈ સુધીનો સમય આપવામાં આવે. તો મંગલબજારમાં આરોગ્ય વિભાગ કેમ્પ રાખી રસીકરણ કરે તેવી માગ પણ વેપારીઓએ કરી છે. વેપારીઓએ આરોપ લગાવ્યો કે, વડોદરામાં કોરોનાની રસીનો જથ્થો ઓછો પહોંચી રહ્યો છે. જેથી સરકાર પહેલા રસી પહોંચાડવાની વ્યવસ્થા કરે.
નોંધનીય છે કે ગઈકાલે ગુજરાતમાં કોરોનાના 112 કેસ નોંધાયા છે જ્યારે ૩ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં ગઈકાલે 305 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 3678 છે. જે પૈકી 21 દર્દી વેન્ટીલેટર પર છે.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 24 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 14 કેસ, સુરત કોર્પોરેશનમાં 13 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ, સુરત અને વડોદરામાં 7-7 કેસ, નવસારી અને વલસાડમાં 4-4 કેસ, બનાસકાંઠા અને કચ્છમાં 3-3 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, જાનગર કોર્પોરેશનમાં 2 કેસ, જુનાગઢ તથા જુનાગઢ કોર્પોરેશનમાં 2-2 કેસ, ખેડામાં 2 કેસ, પંચમહાલમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કેસ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, મહાણા, પોરબંદર, રાજકોટ અને તાપીમાં 1-1 કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં 1, વડોદરમાં 1 તથા ભાવનગરમાં 1 મળી કુલ 3 દર્દીના કોરોનાથી નિધન થયા હતા.
અમદાવાદ, અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મહીસાગર, મોરબી, નર્મદા, પાટણ, સાબરકાંઠામાં એક પણ કેસ નોંધાયો નહોતો.
રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 3678 છે. જેમાંથી હાલ 3666 લોકો સ્ટેબલ છે. 21 લોકો વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,09,506 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10,051 પર પહોંચ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ (Recovery Rate) 98.33 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,40,985 વ્યક્તિઓનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,46,38,142 પર પહોંચ્યો છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના કુલ કેલ ત્રણ કરોડ 2 લાખ 33 હજાર 183 પર પહોંચ્યા છે. જ્યારે કુલ ડિસ્ચાર્જનો આંકડો બે કરોડ 95 લાખ 51 હજાર 029 છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 5 લાખ 68 હજાર 403 છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3 લાખ 95 હજાર 751 થયો છે.





















