Vadodra: વૃદ્ધાએ ભત્રીજાને દીકરો સમજી ઘરમાં આશરો આપ્યો, સંપત્તિ માટે કરી નાખી હત્યા
જે વૃદ્ધાએ પોતાના બાળકો સમજી પરિવારના ભત્રીજાને દીકરો સમજી ઘરમાં આશરો આપ્યો તેણે જ ઘરની સંપત્તિ પચાવી પાડવા વૃદ્ધ મહિલાની હત્યા કરી નાખી હતી.
વડોદરા: વડોદરા શહેરમાં પરિવારને લાંછન લગાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે વૃદ્ધાએ પોતાના બાળકો સમજી પરિવારના ભત્રીજાને દીકરો સમજી ઘરમાં આશરો આપ્યો તેણે જ ઘરની સંપત્તિ પચાવી પાડવા વૃદ્ધ મહિલાની હત્યા કરી નાખી હતી.
નવરાત્રિની ધમાલમાં અને ગરબાની રમઝટના અવાજમાં રાત્રે 11:30 વાગે વડોદરાના તરસાલી વિસ્તારની અમીન ખડકીના 9 નંબરના મકાનમાં હત્યાનો ખેલ ખેલાયો હતો. આસપાસના વિસ્તારમાં ગરબા ચાલતા હોવાને કારણે મહિલાની ચીખ પણ પડોશીઓ સાંભળી શક્યા નહીં. 65 વર્ષીય સુલોચના બહેનના પરિજન અમેરિકામાં રહે છે અને તેઓ અહીં એકલા જ રહે છે. તેમને બાળકો નથી પણ તેમણે ભત્રીજા નયન અને હેમંતને ઘરમાં આશરો આપી રાખ્યા હતા.
જોકે ભત્રીજા નયનની દાનત બગડી હતી અને ઘરની સંપત્તિ પચાવી પાડવા ગઈકાલે રાત્રે વૃદ્ધ મહિલાના પેટમાં ચાકુના ઘા મારતા તેઓ ત્યાંજ ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. જોકે આશ્ચર્યની વાત એ છે કે હત્યા બાદ નયને જ પોલીસને ફોન કરી જાણકારી આપી હતી કે અમે ગરબા રમવા ગયા હતા. ઘરે પરત આવ્યા બાદ સુલોચનાબેનની કોઈએ ચાકુના ઘા મારી હત્યા કરી છે. જો કે તે બાદ નયન પટેલ અને હેમંત પટેલ બંને ફરાર થઈ ગયા હતા. પહેલા પોર પહોંચ્યા ત્યાંથી કરજણ ભાગ્યા હતા. કરજણથી ફરી વડોદરા છાણી આવ્યા અને ત્યાંથી પાવાગઢ બાજુ ભાગી ગયા હતા. જો કે પોલીસે મોબાઈલના લોકેશનના આધારે બંને આરોપીઓને પાવાગઢથી ઝડપી પાડ્યા હતાં.
બિઝનેસમેને દારુ પી હંગામો કર્યો
વડોદરા શહેરના બીલ કેનાલ રોડ પર દારુડીયાએ હંગામો મચાવ્યો હતો. સગુન પાર્ટી પ્લોટ સામે ઓરો હાઈટ્સ 2 માં રહેતા બિઝનેસમેને દારુનો નશો કરીને હંગામો મચાવ્યો હતો. નશો કરીને ધમાલ કરનાર આરોપી તુષાર સાવંત ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે.
તુષાર સાવંતે દારૂનો નશો કર્યો હતો. આરો હાઈટ્સના રહીશોએ પોલીસને જાણ કરતા માંજલપુર પોલીસ દોડી આવી હતી. નશામાં ધૂત પિતાને પકડવા ગયેલી પોલીસ ઉપર પિતા-પુત્રએ કાચના ટુકડા ફેક્યાં હતા. પ્રથમ માળે ઘરમાંથી ખુલ્લી તલવાર બતાવી પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પિતા-પુત્રના હુમલાને પગલે વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ચાર કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પિતા તુષાર સાવંત અને સગીર પુત્રને ઝડપ્યો હતો. તુષાર સાવંત ઉપરાંત ટોળામાં ઉભેલા અને નશો કરેલી હાલતમાં વધુ બે યુવક ઝડપાયા હતા. અમર સિંદે અને ધવલ જામદાર દારૂ નશો કરેલી હાલતમાં હોય માંજલપુર પોલીસે બંનેની ધરપકડ કરી હતી.