Gujarat Politics: ગુજરાતમાં ધારાસભ્યોના રાજીનામાનો અટકેલો સીલસીલો ફરી ચાલુ થશે, કમૂરતા બાદ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ આપશે રાજીનામું
ધર્મેન્દ્રસિંહના રાજીનામા બાદ વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 179 થશે. સૂત્રના જણાવ્યા પ્રમાણે, ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપી ચૂંટણી લડશે તો કૉંગ્રેસ ઉમેદવાર ઉભા રાખશે
Gujarat Politics: ગુજરાતમાં ધારાસભ્યોના રાજીનામાનો અટકેલો સીલસીલો ફરી ચાલુ થશે. 16મી જાન્યુઆરીએ વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ 16મીએ એક ધારાસભ્ય આપશે રાજીનામું. 3 અપક્ષ ધારાસભ્યો પૈકી એક ધારાસભ્ય 16મીએ રાજીનામું આપી શકે છે. વાઘોડિયા બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ 16મીએ રાજીનામું આપી શકે છે.
રાજીનામું આપી ધર્મેન્દ્રસિંહ વિધિવત રીતે ભાજપમાં જોડાશે. વાઘોડીયાની બેઠક ખાલી થતા લોકસભાની સાથે જ પેટાચૂંટણી યોજાશે. ભાજપની ટિકિટ પર ધર્મેન્દ્રસિંહ પેટા ચૂંટણી લડશે. ધર્મેન્દ્રસિંહના રાજીનામા બાદ વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 179 થશે. સૂત્રના જણાવ્યા પ્રમાણે, ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપી ચૂંટણી લડશે તો કૉંગ્રેસ ઉમેદવાર ઉભા રાખશે, પેટા ચૂંટણી યોજાય તો મધુ શ્રીવાસ્તવ કૉંગ્રેસના ઉમેદવાર બની શકે છે. અન્ય બે અપક્ષ ધારાસભ્યો હાલ રાજીનામું આપે તેવી શક્યતા નહીંવત છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહેલા ભાજપમાં જ હતા, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમણે અપક્ષમાંથી ચૂંટણી લડી હતી અને તેઓ જીત્યા પણ હતા. હવે લોકસભાની ચૂંટણી સમયે જ પેટાચૂંટણી પણ યોજાય તેવી સંભાવના છે. નોંધનીય છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા ક્ષત્રિય રાજપૂત સમાજમાં વર્ચસ્વ ધરાવે છે. તેઓ વડોદરા ગ્રામ્યના બાહુબલી નેતા તરીકેની ઓળખ ધરાવે છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2022માં અપક્ષમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા છે. તેઓ વાઘોડિયા બેઠક પર દિગ્ગજ નેતા મધુ શ્રીવાસ્તવને હરાવી ચૂક્યા છે. તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર હતા.