Vadodra: મહિલાએ કૂવામાં મોતની છલાંગ મારી, પોલીસકર્મીએ કૂવામાં કૂદી મહિલાનો જીવ બચાવ્યો
વડોદરાના કોયલીમાં IOCL કંપની દ્વારા જમીન સંપાદનની કામગીરી વખતે સ્થાનિક મહિલાએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન મહિલાએ 20 ફૂટ ઉંડા કૂવામાં મોતની છલાંગ મારી હતી.

વડોદરા: વડોદરાના કોયલીમાં IOCL કંપની દ્વારા જમીન સંપાદનની કામગીરી વખતે સ્થાનિક મહિલાએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન મહિલાએ 20 ફૂટ ઉંડા કૂવામાં મોતની છલાંગ મારી હતી. આ સમયે ત્યાં હાજર પોલીસ કર્મચારીએ એક પણ ક્ષણનો વિચાર કર્યાં વગર કૂવામાં કૂદી મહિલાનો જીવ બચાવી લીધો હતો.
વડોદરાના કોયલી વિસ્તારમાં IOCL કંપની દ્વારા જમીન સંપાદનની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન વળતરને લઇને સ્થાનિક લોકોએ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જેથી ત્યાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સમયે એક મહિલા ખૂબ રોષે ભરાઈ હતી અને તે 20 ફૂટથી વધુ ઊંડા કૂવામાં કૂદી જીવ દેવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર મહિલાને બચાવવા માટે કૂવામાં કૂદી તેમને જીવ બચાવ્યો હતો. ભારે જહેમત બાદ મહિલાને કૂવામાંથી બહાર કાઢી હતી. આ સમયે મહિલા કોન્સ્ટેબલ કલ્પનાબેનન લાખાભાઇ અને સોનિયાબેન પ્રદિપભાઇ અને PSI ચાવડાએ પણ મહિલાને બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા.
બંદોબસ્ત રહેલા હેડ કોન્સ્ટેબલ રાજેશ ભાઈએ કૂવામાં કુદી મહિલાને બચાવી લીધી હતી. એસીપી આર.ડી.કવા દ્વારા કોન્સ્ટેબલને પ્રોત્સાહિત કરાયા હતા. કોન્સ્ટેબલ રાજેશભાઇને એવોર્ડ મળે તે માટે ઉપલા અધિકારીઓને રજુઆત કરાશે તેમ એસીપી આર.ડી.કવાએ જણાવ્યું હતું.
એસીપી આર.ડી. કવાએ જણાવ્યું હતું કે, IOCL કંપની દ્વારા જમીન સંપાદન માટે જવાહરનગર પોલીસ સ્ટેશનમાંથી પોલીસ બંદોબસ્ત માંગવામા આવ્યો હતો. જેને પગલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાંથી એક PSI અને 10 પોલીસકર્મીઓ ફાળવણી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સ્થાનિક લોકો નારાજગી હશે, જેથી વહીવટી તંત્ર સાથે બોલચાલી કરી હતી અને એમાં આવેશમાં આવીને મહિલાએ 20 ફૂટ ઊંડા કૂવામાં કૂદકો માર્યો હતો.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ સમયે ત્યાં હાજર પોલીસકર્મીઓમાંથી જવાહરનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી રાજેશભાઇ સોલંકીએ એક ક્ષણનો પણ વિચાર કર્યાં વગર બહેનને બચાવવા માટે કૂવામાં કૂદકો મારી તે બહેનને બચાવી લીધા હતા અને બહાર કાઢ્યા હતા. જવાહરનગર પોલીસ સ્ટેશનની આખી ટીમે ખૂબ સારી કામગીરી કરી હતી અને પોલીસકર્મીએ હિંમત દાખવી એક બહેનનો જીવ બચાવ્યો હતો. અમે સમગ્ર વડોદરા પોલીસ પરિવાર ગર્વ અનુભવીએ છીએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
