ક્ષત્રિયોના વિરોધ વચ્ચે વાઘોડિયા બેઠક અંગે કોંગ્રેસની રણનીતિ આવી સામે, આ ક્ષત્રિય નેતાના નામો છે ચર્ચામાં
વાઘોડિયા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે 2 ક્ષત્રિય નામો પસંદ કર્યા છે.
Waghodia By-Election 2024: ક્ષત્રિયોના વિરોધ વચ્ચે વાઘોડિયા બેઠક અંગે કોંગ્રેસની રણનીતિ સામે આવી છે. ક્ષત્રિય સમાજના રોષનો લાભ લેવા કોંગ્રેસ વાઘોડિયા બેઠક પર ક્ષત્રિય ઉમેદવાર પસંદ કરશે. વાઘોડિયા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે 2 ક્ષત્રિય નામો પસંદ કર્યા છે. કિરણસિંહ પરમાર અને કનુભાઈ ગોહિલનું નામ ઉમેદવારની પેનલમાં છે. કનુભાઈ ગોહિલ વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે અને વડોદરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. કિરણસિંહ પરમાર સોખડા બેઠક પરથી જિલ્લા પંચાયતના સદસ્ય છે.
રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર તેજ થઇ ગયો છે, આ સાથે સાથે હવે રાજ્યમાં પાંચ વિધાનસભા બેઠકો પરની પેટા ચૂંટણીનો પણ જંગ ખેલાઇ રહ્યો છે. તાજેતરમાં જ પાંચ બેઠકો પર ભાજપે પોતાના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, તો વળી કોંગ્રેસ પાર્ટી હજુ પણ ઉમેદવારો શોધી રહી છે. તાજા અપડેટ પ્રમાણે વિધાનસભા પેટાચૂંટણીને લઇને હવે કોંગ્રેસ એક્શન મૉડમાં આવી છે, વડોદરાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ માટે લૉબિંગ શરૂ કરાયુ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. હાલમાં જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મધુ શ્રીવાસ્તવને મળ્યા હતા.
તાજેતરમાં જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સાથે ખાસ મીટિંગ કરી હતી, જે ચર્ચાનો વિષય બની છે. શક્તિસિંહ સાથેની બેઠક બાદ મધુ શ્રીવાસ્તવે હૂંકાર કર્યો છે કે, ટિકીટ તો મારા ગજવામાં છે. તેમને કહ્યું કે, ભાજપ સિવાયની કોઇપણ પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડવા તૈયાર છે. કોઈ પક્ષ ટિકિટ નહીં આપે તો અપક્ષ ચૂંટણી લડીશ.
વડોદરાની વાઘોડિયા બેઠક પર ભાજપે પેટાચૂંટણી માટે પહેલાથી જ ઉમેદવાર ઉતારી દીધો છે, તો વળી કોંગ્રેસ યોગ્ય ઉમેદવારની શોધ કરી રહ્યું છે. હાલમાં જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મધુ શ્રીવાસ્તવની બેઠક કરી હતી. આ બેઠક બાદ મધુ શ્રીવાસ્તવનું એક ખાસ નિવેદન સામે આવ્યુ છે. મધુ શ્રીવાસ્તવે બેઠક બાદ કહ્યું કે, શક્તિસિંહ સાથે અમારી જુની મિત્રતા છે, હું 6 ટર્મ અહીંથી ધારાસભ્ય રહ્યો છું, આજે શક્તિસિંહ આવ્યા ફક્ત પારિવારિક વાતો થઈ છે. ટિકિટને લઈને કોઈ વાતચીત થઈ નથી, હું ભાજપ સિવાય કોઈપણ પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડવા તૈયાર છું. કોંગ્રેસ ટિકીટ આપે કે આપ પાર્ટી ટિકીટ આપે, કોઈપણ પાર્ટી હોય, અને કોઈ ટિકિટ ના આપે તો અપક્ષ તરીકે પણ હું વાઘોડિયા બેઠક પરથી પેટાચૂંટણી લડીશ. મધુ શ્રીવાસ્તવ વધુમાં હૂંકાર કરતાં કહ્યું કે, ટિકીટ તો મારા ગજવામાં છે જ. ઉલ્લેખનીય છે કે, ભાજપમાં મધુ શ્રીવાસ્તવને હાંકી કઢાયા છે.