SMC Raid: વડોદરામાં SMCનો સપાટો, પોલીસ ઊંઘતી રહી ને દોઢના વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો, એક નાશી છૂટ્યો
રાજ્યમાં સ્ટેટ મૉનિટરિંગ સેલના દરોડા યથાવત છે, રાજકોટ સુરત, અમદાવાદ, જામનગર બાદ હવે વડોદરામાં પણ એસએમસીએ રેડ કરી છે
Vadodara Crime News: રાજ્યમાં સ્ટેટ મૉનિટરિંગ સેલના દરોડા યથાવત છે, રાજકોટ સુરત, અમદાવાદ, જામનગર બાદ હવે વડોદરામાં પણ એસએમસીએ રેડ કરી છે, એસએમસીની આ રેડમાં દોઢ લાખથી વધુનો દારૂ સાથેનો મુદ્દામાલ એકની ધરપકડ કરી છે, જોકે, અન્ય એક આરોપી ફરાર થયો છે. આ દરોડાની કાર્યવાહી શહેરના કારેલીબાગ વિસ્તારમાં ચાલી રહેલા અડ્ડા પર કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે દારુના અડાઓ ચાલી રહ્યાં છે, સ્ટેટ મૉનિટરિંગ સેલે બાતમીના આધારે આજે વડોદરા શહેરમાં કાર્યવાહી કરી હતી, દરોડાની કાર્યવાહી શહેરના કારેલીબાગ વિસ્તારમાં કરવામાં આવી છે. વહેલી સવારે એસએમસીની ટીમે અચાનક કારેલીબાગ વિસ્તારમાં આવેલી પ્રકાશનગર ઝૂંપડપટ્ટીમાં દરોડા પાડ્યા હતા, આ દરોડામાં સ્ટેટ મૉનિટરિંગ સેલની ટીમે ૧,૬૫,૦૮૦ રૂપિયાની કિંમતનો ૧૦૧૯ બોટલ વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ પકડ્યો હતો, આ ઉપરાંત સ્થળ પરથી નિખીલ કહારની પણ અટકાયત કરવામાં આવી હતી, જોકે, પ્રશાંત જાદવ નામનો અન્ય એક આરોપી નાસી છૂટ્યો હતો, જેને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
સ્ટેટ મોનીટરીંગ ટીમનો સપાટો, હાઇવે પરથી 50.40 લાખનો દારૂ ઝડપી પાડ્યો
નવસારી હાઇવે પર સ્ટેટ મોનીટરીંગ ટીમે સપાટો બોલાવ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસની SMC ટીમે હાઇવે પરથી 50.40 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. નેશનલ હાઇવે નંબર 48 પર નવસારીના નવજીવન હોટલ પાસેથી SMC ટીમે 50.40 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે. ટેમ્પામાંથી લાખોનો દારૂ મળતા ચાલક ફારૂક મોઇલાની ધરપકડ કરવામાં આવી છે. વિદેશી દારૂનો જથ્થો ગોવાથી ગુજરાતના હાલોલ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે પાયલોટિંગ કરનાર અલ્લારખા સહિત દારૂ ભરાવનાર, ટેમ્પો માલિક, દારૂ મંગાવનાર મળી કુલ 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણામાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું હતું
મહેસાણાના કડી-થોળ રોડ પર આવેલી એન. કે. પ્રોટીન નામની કંપનીના પાર્કિંગમાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી દારૂ ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું. હરિયાણાના આ ટેન્કરમાં 37 લાખ, 18 હજારની કિંમતનો દારૂ લવાયો હતો. દારૂના જથ્થા સાથે 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. ખૂબ જ મોટા પ્રમાણમાં દારુ મળી આવતા સ્ટેટ મોનિટરિંગ સેલ પણ ચોંકી ગયું હતું. હાલ તો દારુના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આટલો મોટો દારુનો જથ્થો કોણે મંગાવ્યો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.
ભાવનગરમાંથી દારુનું ટેન્કર ઝડપાયું હતું
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ અમદાવાદ ગ્રામ્ય, બોટાદ અને ભાવનગર જિલ્લામાં દારૂના ગુના શોધવા પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ભાવનગરના બુટલેગરે વિદેશી દારૂનું ટેન્કર મંગાવ્યું હતું. તેની બાતમી પોલીસની મળી હતી. હરિયાણા પાસીંગનું સફેદ કલરનું ઓક્સિજન ટેન્કર ધોલેરા, પીપળીથી ભાવનગર તરફ જઈ રહ્યાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ધોલેરા-ભાવનગર હાઈવે પર ભડભીલ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં સાંજના ૭-૪૦ કલાકના અરસામાં બન્ને બાજુ ઈનોક્સ એર પ્રોડક્ટ્સ, પાછળના ભાગે ઓક્સિઝન રેફ્રિજરેટેડ લિક્વિડ અને ઓક્સિજન લિક્વિડ લખેલું ટેન્કર નં.એચઆર.૬૫.એ.૮૨૬૨ ટોલબુથ આગળ પહોંચતા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે તેને રોકી ડ્રાઈવરને નીચે ઉતારી પૂછતાછ કર્યા બાદ દારૂનો ખૂબ મોટો જથ્થો હોવાની શખ્સે કબૂલાત આપી હતી. જેથી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કર્યા બાદ સનેશ પોલીસના બે કોન્સ્ટેબલને સ્થળ પર બોલાવી ડ્રાઈવરને પોલીસ જાપ્તામાં રાખી ટેન્કરને સનેશ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લઈ જવાયું હતું.