(Source: ECI/ABP News/ABP Majha)
અફઘાનિસ્તાનના પંજશીર પ્રાન્ત પર કબજો કર્યાનો તાલિબાનનો દાવો
પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહીદે કહ્યું કે, પંજશીર પ્રાન્ત પુરી રીતે જીતી લેવામાં આવ્યું છે. પંજશીર ઇસ્લામી અમીરાતના નિયંત્રણમાં આવી ગયું છે.
કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યાના 21 દિવસ બાદ હવે તાલિબાને પંજશીર પ્રાન્ત પર જીતનો દાવો કર્યો છે. અફઘાનિસ્તાને ઇસ્લામી અમીરાતના પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહીદે આ દાવો કર્યો છે. અત્યાર સુધી પંજશીરમાં રેજિસ્ટન્સ ફ્રન્ટના નેતા અહમદ મસૂદનો કબજો હતો. પંજશીરને લઇને તાલિબાન અને રેજિસ્ટન્સ ફોર્સ વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં બંન્ને તરફ સેંકડો લોકો માર્યા ગયા છે.
પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહીદે કહ્યું કે, પંજશીર પ્રાન્ત પુરી રીતે જીતી લેવામાં આવ્યું છે. પંજશીર ઇસ્લામી અમીરાતના નિયંત્રણમાં આવી ગયું છે. પંજશીરમાં અનેક વિદ્રોહી જૂથોના સભ્યોને માર મારવામાં આવ્યો, બાકીના ભાગી ગયા. અમે પંજશીરના લોકોને આશ્વાસન આપીએ છીએ કે તેમની સાથે ભેદભાવ કરવામાં નહી આવે. તેઓ અમારા ભાઇ છે અને અમે એક દેશ અને એક સમાન લક્ષ્યની સેવા કરીશું. અમારા પ્રયાસો અને જીતથી આપણો દેશ પુરી રીતે યુદ્ધની સ્થિતિમાંથી બહાર આવી ગયો છે. આપણા લોકો સ્વતંત્રતા અને સમૃદ્ધિના માહોલમાં એક શાંતિપૂર્ણ અને ખુશી જીવન જીવી શકશે.
અફઘાનિસ્તાનના પંજશીરમાં તાલિબાન અને નોર્ધન એલાયંસ તરફથી પોત પોતાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ મળતી માહિતી મુજબ તાલિબાન સામે લડાઈમાં રેસિસ્ટેંસ ફ્રંટને મોટો ફટકો લાગ્યોછે. આ મામલે રેસિસ્ટેંટ ફ્રંટના પ્રવક્તા ફહીમ દશ્તીનું મોત થયું છે. હુમલામાં જનરલ અબ્દુલ વદોદ ઝારાનું પણ મોત થયું છે.
રેસિસ્ટેંસ ફોર્સે ખુદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું, દુખ સાથે જણાવવું પડી રહ્યું છે કે અત્યાચાર અને આક્રમણ સામે ચાલી રહેલી પવિત્ર લડાઈમાં અમે અફઘાનિસ્તાન રેસિસ્ટેંસના બે સાથીને ગુમાવી દીદા છે. રેસિસ્ટેંસ ફ્રંટના પ્રવક્તા ફહીમ દશ્તી અને અહમદ શાહ મસૂદના ભત્રીજા જનરલ અબ્દુલ વદોદ શહીદ થયા છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના પત્રકાર બિલાલ સરવરીએ દાવો કર્યો છે કે ગની સરકારમાં ઉપરાષ્ટ્રપતિ રહેલા અમરુલ્લા સાલેહના ઘર પર હેલિકોપ્ટરથી હુમલો થયો છે. જે બાદ અમરુલ્લાને પંજશીરમાં કોઈ અજ્ઞાત સ્થળે છુપાવવા પડ્યા છે.