(Source: Poll of Polls)
બાંગ્લાદેશની વચગાળાની સરકારે હટાવ્યો જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ, કહ્યું- આતંકી ગતિવિધિઓમાં નથી સામેલ
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ જમાત-એ-ઈસ્લામી પાર્ટી પર પ્રતિબંધ મૂક્યો હતો
Bangladesh News: બાંગ્લાદેશની વચગાળાની સરકારે જમાત-એ-ઈસ્લામી પાર્ટી પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. જમાત-એ-ઇસ્લામી એ બાંગ્લાદેશની મુખ્ય ઇસ્લામિક પાર્ટી છે, જેને ધાર્મિક કટ્ટરવાદી પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ પાર્ટી પરનો પ્રતિબંધ હટાવતા સરકારે કહ્યું કે, જમાત-એ-ઈસ્લામીની આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી.
શેખ હસીનાની સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ જમાત-એ-ઈસ્લામી પાર્ટી પર પ્રતિબંધ મૂક્યો હતો. જમાત-એ-ઇસ્લામી પાર્ટી પર આરોપ હતો કે તેણે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના વિરોધ દરમિયાન હિંસા ભડકાવી હતી. જે બાદમાં ભૂતપૂર્વ પીએમ શેખ હસીના વિરુદ્ધ બળવામાં ફેરવાઈ ગઇ હતી. પાર્ટીએ આરોપોને નકારી કાઢ્યા છે કે તેણે વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ભડકાવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ સરકારી નોકરીઓમાં અનામત સામે અવાજ ઉઠાવ્યો હતો.
હાઈકોર્ટે જમાત-એ-ઈસ્લામી પાર્ટી પર 2013માં ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી પાર્ટી 2014, 2018 અને આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં ચૂંટણી લડી શકી નહોતી. શેખ હસીનાની સરકારે 1 ઓગસ્ટ, 2024 ના રોજ આ પાર્ટી પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના ચાર દિવસ પછી વિદ્યાર્થીઓના બળવાના કારણે શેખ હસીનાને રાજીનામું આપીને બાંગ્લાદેશ છોડવું પડ્યું હતું.
ચૂંટણી લડવાને લઇને સુપ્રીમ કોર્ટમાં જશે જમાત-એ-ઈસ્લામી
અલઝઝીરાના અહેવાલ મુજબ, જમાત-એ-ઈસ્લામીના વકીલ શિશિર મોનિરે કહ્યું કે તેમનો પક્ષ બાંગ્લાદેશ ચૂંટણી પંચમાં નોંધણી માટે આવતા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે, જેથી તેઓ ચૂંટણી લડી શકે. જમાત-એ-ઇસ્લામીની સ્થાપના બ્રિટિશ શાસન દરમિયાન 1941માં કરવામાં આવી હતી, જેણે પાકિસ્તાનથી 1971ની આઝાદીની લડાઈ દરમિયાન બાંગ્લાદેશને સ્વતંત્ર દેશ બનાવવા સામે અભિયાન ચલાવ્યું હતું.
બાંગ્લાદેશમાં સત્તાપરિવર્તન પછી ત્યાંના તોફાનીઓએ હિંદુઓ પર હુમલાઓ કર્યા હતા જેની પાછળ જમાત-એ-ઈસ્લામી પાર્ટીનો હાથ હોવાનું કહેવાય છે. જો કે, જમાત-એ-ઈસ્લામી પાર્ટીના શફીકુર રહમાને કહ્યું છે કે બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર થયેલા હુમલામાં તેમનો પક્ષ સામેલ નથી. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, તેમણે કહ્યું કે જમાત-એ-ઈસ્લામી પાર્ટીની છબી ખરાબ કરવા માટે આવી બાબતો કહેવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ