Coronavirus: માનવીમાંથી હવે પ્રાણીઓમાં ફેલાશે ? ભારતમાં પ્રાણી સંગ્રહાલયો માટે જાહેર કરાઈ એડવાઈઝરી
ભારતમાં દેશના તમામ પ્રાણી સંગ્રહાલયો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
ન્યૂયોર્કઃ કોરોના વાયરસનો પ્રકોપ વિશ્વભરમાં ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને અમેરિકા તેનું સૌથી મોટું શિકાર બન્યું છે. અમેરિકામાં ત્રણ લાખથી વધારે લોકો આ કાળમુખા વાયરસની ઝપેટમાં આવી ગયા છે. પરંતુ હવે મનુષ્યોમાંથી આ વાયરસ પ્રાણીઓમાં પહોંચ્યો છે. ન્યૂયોર્કના એક પ્રાણી સંગ્રહાલયમાં વાઘને પણ કોરોના થયો છે.
ન્યૂયોર્કના બ્રોનક્સ ઝૂમાં એક વાઘનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમેરિકાના કૃષિ વિભાગના નેશનલ વેટનરી સર્વિસેઝ લેબોરેટરી મુજબ, જાનવરોમાં કોરોના પોઝિટિવ મળ્યાની આ પ્રથમ ઘટના છે. નિષ્ણાતોએ ચેતવણી પતા કહ્યું કે, જો વિશ્વના અન્ય દેશોના પ્રાણીઓમાં પણ આ સંક્રમણ ફેલાશે તો સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. ભારતમાં દેશના તમામ પ્રાણી સંગ્રહાલયો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
એડવાઇઝરી મુજબ, તમામ ઝૂ ઓથોરિટીને વધારાની સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત કોઈપણ અસામાન્ય વ્યવહાર માટે સીસીટીવી દ્વારા જાનવરો પર સતત દેખરેખ રાખવા જણાવાયું છે.
બેલ્જિયમમાં માર્ચના અંતમાં પાલતુ બિલાડી કોરોના વાયરસથી સંક્રમિત મળી આવી હતી. તે પહેલા હોંગકોંગમાં પણ બે કૂતરાને કોરોના વાયરસ થયો હતો. આ જાનવરોના માલિકોને કોરોના વાયરસ થયો હતો અને તેમના સંપર્ક દ્વારા પ્રાણીઓમાં વાયરસ ફેલાયો હતો.
વિશ્વ પશુ સ્વાસ્થ્ય સંગઠને તેના રિપોર્ટમાં કહ્યું કે, સંક્રમિત જાનવર પોતાના દ્વારા સંક્રમણને અન્ય પશુઓમાં ફેલાવી શકે તે અંગે કોઈ પુરાવા મળ્યા નથી. જોકે સંસ્થાએ પાલતુ પ્રાણીઓને માલિક શક્ય તેટલા ઘરમાં રાખે તેવી સલાહ આપી હતી.