Covid : કોરોના માનવસર્જીત અને વુહાન લેબમાંથી જ લીક થયો હતો : અમેરિકી વૈજ્ઞાનિકનો ધડાકો
પુસ્તકમાં હફના દાવા પ્રમાણે ચીનના ગેન-ઓફ-ફંક્શન ટેસ્ટ પુરતી સુરક્ષા સાથે હાથ ધરવામાં આવ્યા હતા જેના પરિણામે વુહાન લેબમાં લીકેજ થયું હતું.
Covid-19 Man Made Virus: કોરોના વાયરસને લઈને હંમેશાથી ચીન તરફ આંગળી ચિંધાઈ રહી છે. હવે ચીનના વુહાનમાં એક વિવાદાસ્પદ સંશોધન પ્રયોગશાળામાં કામ કરતા એક અમેરિકન વૈજ્ઞાનિકે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વૈજ્ઞાનિકનું કહેવું છે કે કોવિડ-19 માનવ નિર્મિત વાયરસ હતો. આ વાયરસ વુહાનની લેબમાંથી જ લીક થયો હતો. આ વૈજ્ઞાનિક ચીનની વુહાલ લેબમાં વર્ષો સુધી કામ કરી ચુક્યા છે. તેમને ચીનની સાથો સાથ અમેરિકા પર પણ આરોપ લગાવ્યા હતાં.
મીડિયા રિપોર્ટ્સમાં સંશોધક એન્ડ્ર્યુ હફના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસ 2 વર્ષ પહેલા વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (WIB)માંથી જ લીક થયો હતો. સરકાર વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીને ફંડ આપે છે.
મહામારી નિષ્ણાત એન્ડ્ર્યુ હફે તેમના નવા પુસ્તક, "ધ ટ્રુથ અબાઉટ વુહાન" માં દાવો કર્યો હતો કે અમેરિકાની સરકાર દ્વારા ચીનમાં કોરોના વાયરસના સંશોધનને ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું. તેથી કોરોનાની આ મહામારી અમેરિકાના ફંડના કારણે પણ ફેલાઈ હતી તેમ કહી શકાય. હફના પુસ્તકના કેટલાક અંશો બ્રિટનના ટેબ્લોઇડ ધ સનમાં પ્રકાશિત થયા હતાં. ન્યુયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, હફ ચેપી રોગોનો અભ્યાસ કરતી ન્યુયોર્ક સ્થિત ઈકોહેલ્થ એલાયન્સ નામની એનજીઓના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ છે.
લેબમાંથી વાયરસ કેવી રીતે લીક થયો?
પુસ્તકમાં હફના દાવા પ્રમાણે ચીનના ગેન-ઓફ-ફંક્શન ટેસ્ટ પુરતી સુરક્ષા સાથે હાથ ધરવામાં આવ્યા હતા જેના પરિણામે વુહાન લેબમાં લીકેજ થયું હતું. ઉલ્લેખનીય છે કે, વુહાન લેબ કોવિડની ઉત્પત્તિને લઈને ચર્ચાનું કેન્દ્ર રહી છે. ચીનના સરકારી અધિકારીઓ અને લેબ સ્ટાફે કોરોના વાયરસ ત્યાંથી જ ઉત્પન્ન થયો હોવાની વાતનો સતત ઇનકાર કરતા આવ્યા છે.
પુસ્તકમાં એન્ડ્રુ હફે જણાવ્યું હતું કે, વિદેશી પ્રયોગશાળાઓ પાસે યોગ્ય જૈવ સલામતી અને જોખમ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે પર્યાપ્ત નિયંત્રણ પગલાં નહોતા જેના પરિણામે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં લીકેજ થયું હતું.
અમેરિકાનો પણ હાથ?
એન્ડ્રુ હફ 2014 થી 2016 સુધી ઇકોહેલ્થ એલાયન્સમાં સેવા આપી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, આ એનજીઓએ ઘણા વર્ષોથી વુહાન લેબને અન્ય પ્રજાતિઓ પર હુમલો કરવા માટે ચામાચિડિયા કોરોના વાયરસને શ્રેષ્ઠ રીતો વિકસાવવામાં મદદ કરી હતી. હફે પુસ્તકમાં લખ્યું હતું કે, ચીનને પહેલા દિવસથી જ ખબર હતી કે આ વાયરસ આનુવંશિક રીતે એન્જિનિયર્ડ એજન્ટ છે. ચીનને ખતરનાક બાયો-ટેક્નોલોજીના ટ્રાન્સફર માટે અમેરિકી સરકારને પણ દોષી ઠેરવવી જોઈએ.
હું ડરી ગયો હતો
ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર તેમણે ધ સનને જણાવ્યું હતું કે, મેં જે જોયું તેનાથી હું ભયભીત થઈ ગયો હતો. અમે ચીનને બાયો વેપનની ટેક્નોલોજી આપી દીધી હતી. પોસ્ટના અહેવાલ પ્રમાણે પ્રોપબ્લિકા/વેનિટી ફેર દ્વારા પ્રકાશિત તાજેતરની તપાસ અનુસાર WIVએ ચીનના સૌથી જોખમી કોરોના વાયરસ સંશોધનનું ઘર છે. આ રિસર્ચ સંસ્થામાં સંશાધનોની અછત હોવા છતાં વૈશ્વિક સ્થિતિ વધારવા માટે શાસક ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા વૈજ્ઞાનિકો પર પરિણામો લાવવાનું ભારે દબાણ કરવામાં આવે છે.