યુદ્ધ દરમિયાન, અમેરિકાએ વિનાશક Doomsday મિસાઇલનું કર્યું પરીક્ષણ, જે હિરોશિમા પરમાણુ બોમ્બ કરતાં 20 ગણી ઘાતક
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, અમેરિકાએ કેલિફોર્નિયાના દરિયાકાંઠે ડૂમ્સડે બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું. મિનિટમેન III તરીકે ઓળખાતી, આ મિસાઈલ અમેરિકાની સૌથી જૂની ICBM છે.

યુએસ સ્પેસ ફોર્સ અનુસાર, GT 254 તરીકે ઓળખાતું રોકેટ પશ્ચિમ-મધ્ય પેસિફિક મહાસાગરમાં માર્શલ ટાપુઓ નજીક તેના લક્ષ્ય પર ઉતર્યું હતું. એર ફોર્સ ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડ અનુસાર, મિસાઈલને તૈયારી અને ચોકસાઈ ચકાસવા માટે છોડવામાં આવી હતી.
એર ફોર્સ ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડે કહ્યું, "મંગળવારનું પરીક્ષણ-લોન્ચ નિયમિત હતું અને ઘણા વર્ષોથી સુનિશ્ચિત હતું." મિનિટમેન III મિસાઈલ અમેરિકાના પરમાણુ ત્રિપુટીનો ભાગ છે. તે જમીન, સમુદ્ર અને હવામાંથી વિશ્વ-વિનાશક શસ્ત્ર લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે. તે પરમાણુ યુદ્ધને રોકવા માટે ડિઝાઇન કરાઇ છે.
મિનિટમેન III બેલિસ્ટિક મિસાઇલ કેટલી શક્તિશાળી છે?
મિનિટમેન III બેલિસ્ટિક મિસાઇલ હિરોશિમા પર ફેંકાયેલા પરમાણુ બોમ્બ કરતાં 20 ગણી વધુ શક્તિશાળી પરમાણુ હથિયાર વહન કરવામાં સક્ષમ છે. મિનિટમેન III એ અમેરિકાનું સૌથી જૂનું ICBM છે, જે 1970 ના દાયકાથી ઉપયોગમાં છે અને જમીન પરથી છોડવામાં આવે છે. તેની રેન્જ 13,000 કિલોમીટર છે. તે પરમાણુ હથિયાર વહન કરી શકે છે, પરંતુ આ પરીક્ષણમાં કોઈ પણ પ્રકારના હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
યુનાઇટેડ સ્ટેટ્સ પાસે આવી લગભગ 400 મિસાઇલો છે, જે રશિયા અને ચીન જેવા દેશો સામે તેના સંરક્ષણનો ભાગ છે. આ મિસાઇલને મિનિટમેન તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે એક મિનિટમાં તૈયાર થઈ શકે છે. યુનાઇટેડ સ્ટેટ્સ 2030 સુધીમાં તેને નવી મિસાઇલથી બદલવાની યોજના ધરાવે છે, પરંતુ ત્યાં સુધી પરીક્ષણો ચાલુ રહેશે.
યુએસ અધિકારીએ શું કહ્યું:
576મી ફ્લાઇટ ટેસ્ટ સ્ક્વોડ્રનના કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ કેરી રેએ જણાવ્યું હતું કે, આ પરીક્ષણથી મિસાઇલ સિસ્ટમના વિવિધ ઘટકોની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં મદદ મળી છે. તેમણે ઉમેર્યું હતું કે, આવા પરીક્ષણો દેશના પરમાણુ બળના ભૂમિ ઘટકને વધુ મજબૂત બનાવી શકે છે.





















