કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
થાઈલેન્ડ-કંબોડિયા સરહદ પર ગુરુવારે તણાવ વધ્યો છે

બેંગકોક: થાઈલેન્ડ-કંબોડિયા સરહદ પર ગુરુવારે તણાવ વધ્યો છે. થાઈલેન્ડ આર્મીએ એફ-16 ફાઈટર જેટથી કંબોડિયાના બે લશ્કરીએ સ્થળો પર હવાઈ હુમલો કર્યો હતો. થાઇલેન્ડ સૈન્યએ તેની પુષ્ટી કરી હતી. થાઈલેન્ડ સેનાના નાયબ પ્રવક્તા રિત્ચા સુકસુવાનનના જણાવ્યા અનુસાર, ઉબોન રત્ચાથાની પ્રાંતમાંથી છ જેટ વિમાનો તૈનાત કરવામાં આવ્યા હતા અને કંબોડિયામાં સરહદ પાર તેમના નિર્ધારિત ભૂમિ લક્ષ્યોને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા હતા.
#BREAKING Thailand launches air strikes on two Cambodian military targets, says Thai army pic.twitter.com/Qda86saAHz
— AFP News Agency (@AFP) July 24, 2025
વિવાદિત સરહદ પર કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. કંબોડિયા અને થાઇલેન્ડે એકબીજા પર હુમલો કર્યો છે. થાઇ સેનાએ પુષ્ટી કરી હતી કે થાઇલેન્ડે બે કંબોડિયા લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. આના થોડા કલાકો પહેલા જ બંને દેશોએ એકબીજા સાથે રાજદ્વારી સંબંધોને ન્યૂનતમ સ્તરે લાવ્યા હતા.
કંબોડિયાના સરકારી સૂત્રએ AFP ને જણાવ્યું હતું કે ગુરુવારે સવારે થાઇ પ્રાંત સુરીન અને કંબોડિયાના ઓદ્દાર મીનચી વચ્ચેની સરહદ પર બે મંદિરો નજીક હિંસા ફરી ફાટી નીકળી હતી. એએપીના રિપોર્ટ અનુસાર, થાઇ સેનાએ પુષ્ટી કરી હતી કે તેણે બે કંબોડિયા લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે.
કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા માલી સોચીતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "થાઇ સૈન્યએ દેશના સાર્વભૌમ પ્રદેશના રક્ષણ માટે તૈનાત કંબોડિયા દળો પર સશસ્ત્ર હુમલો કરીને કંબોડિયા રાજ્યની પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કર્યું છે. જવાબમાં, કંબોડિયાના સશસ્ત્ર દળોએ થાઇ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા અને કંબોડિયાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવા માટે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર સંપૂર્ણ સ્વ-બચાવના તેમના કાયદેસરના અધિકારનો ઉપયોગ કર્યો."
થાઈ સૈન્યએ પહેલા આ હુમલા માટે કંબોડિયન સૈનિકોને દોષિત ઠેરવ્યા હતા અને પછી તેમના પર "નાગરિકો પર લક્ષિત હુમલાઓ"નો આરોપ લગાવ્યો હતો તેમાં કહેવામાં આવ્યું છે કે બે BM-21 રોકેટ સુરિનના કાપ ચોએંગ જિલ્લામાં એક સમુદાય પર પડ્યા હતા, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.
થાઈ દૂતાવાસે ગુરુવારે તેના નાગરિકોને કંબોડિયા છોડવા વિનંતી કરી હતી. દૂતાવાસે ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે થાઈ લોકોએ "શક્ય તેટલી વહેલી તકે" કંબોડિયા છોડી દેવું જોઈએ, સિવાય કે તેમની પાસે ત્યાં રહેવાના તાત્કાલિક કારણો હોય. ગુરુવારે સવારે થયેલા અથડામણના કલાકો પહેલા કંબોડિયાએ જાહેરાત કરી હતી કે તે થાઈલેન્ડ સાથેના રાજદ્વારી સંબંધોને ઘટાડી રહ્યું છે. થાઈલેન્ડમાંથી તેના એક સિવાયના બધા રાજદ્વારીઓને પાછા બોલાવવામાં આવ્યા હતા અને દેશમાં રહેલા થાઈ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. તાજેતરના અઠવાડિયામાં બંને દેશોમાંથી શ્રેણીબદ્ધ હુમલાઓ જોવા મળ્યા છે. થાઈલેન્ડે સરહદ ક્રોસિંગ પર પ્રતિબંધો લાદ્યા છે અને કંબોડિયાએ કેટલીક આયાતો અટકાવી દીધી છે.
થાઈ સૈન્યના જણાવ્યા અનુસાર, થાઈલેન્ડના સુરીન પ્રાંત નજીક તા મુએન મંદિરની રક્ષા કરી રહેલા થાઈ સૈનિકોના એક યુનિટે કંબોડિયન ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો. સૈન્યએ જણાવ્યું હતું કે છ સશસ્ત્ર કંબોડિયન સૈનિકો થાઈ ચોકીની સામે કાંટાળા તારની વાડ પાસે પહોંચ્યા હતા. સૈન્યએ જણાવ્યું હતું કે થાઈ સૈનિકોએ ચેતવણી આપી પરંતુ સવારે 8:20 વાગ્યાની આસપાસ કંબોડિયન દળોએ મંદિરની પૂર્વ બાજુ તરફ ગોળીબાર શરૂ કર્યો, જે થાઈ બેઝથી લગભગ 200 મીટર દૂર છે.
થાઈલેન્ડના કાર્યકારી વડાપ્રધાને કહ્યું હતું કે અમે સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. થાઈ સૈન્યની તપાસમાં પુરાવા મળ્યા છે કે કંબોડિયાએ વિવાદિત સરહદી વિસ્તારમાં નવી લેન્ડમાઈન બિછાવી છે. જ્યારે કંબોડિયાએ આ દાવાને નકારી કાઢી છે.





















