અમેરિકામાં હિન્દુઓનો વિરોધ! ટ્રમ્પના નેતાએ કહ્યું – આપણે ખ્રિસ્તી રાષ્ટ્ર, હિન્દુઓના 'ખોટા ભગવાન'ની શું જરૂર છે?
ટેક્સાસમાં સ્થપાયેલી 90 ફૂટ ઊંચી પ્રતિમા સામે રિપબ્લિકન નેતા એલેક્ઝાન્ડર ડંકનનો વાંધો; HAF સહિત હિન્દુ સંગઠનોએ આકરી પ્રતિક્રિયા આપી.

Trump Hanuman remark: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં સ્થાપિત ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા નેતા એલેક્ઝાન્ડર ડંકને આ પ્રતિમાને "ખોટા ભગવાન" કહીને વિરોધ નોંધાવ્યો છે. તેમના આ નિવેદનથી અમેરિકામાં વસતા હિન્દુ સમુદાય અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) એ આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને સોશિયલ મીડિયા પર પણ તેમની આકરી ટીકા થઈ રહી છે.
રિપબ્લિકન નેતાનું વિવાદાસ્પદ નિવેદન
ટેક્સાસમાં સેનેટની ચૂંટણી લડી રહેલા એલેક્ઝાન્ડર ડંકને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર એક વીડિયો શેર કરીને વિવાદ ઊભો કર્યો. તેમણે લખ્યું કે, "આપણે ટેક્સાસમાં ખોટા હિન્દુ દેવની પ્રતિમા કેમ બનાવી રહ્યા છીએ? આપણે એક ખ્રિસ્તી રાષ્ટ્ર છીએ." તેમણે પોતાના નિવેદનના સમર્થનમાં બાઇબલનો ઉલ્લેખ પણ કર્યો. ડંકનના આ નિવેદનથી સ્પષ્ટપણે ધાર્મિક સ્વતંત્રતા પર પ્રશ્ન ઊભો થયો છે, કારણ કે અમેરિકાનું બંધારણ દરેક ધર્મને સમાન અધિકારો આપે છે.
I'm just calling it what it is, an IDOL.
— Alexander Duncan (@AlexDuncanTX) September 22, 2025
"You must not have any other god but me. You must not make for yourself an idol of any kind or an image of anything in the heavens or on the earth or in the sea." Exodus 20:3-4
"They traded the truth about God for a lie. So they… pic.twitter.com/xGz6oVgGUr
હિન્દુ સંગઠનો અને નેટીઝન્સનો વિરોધ
ડંકનના નિવેદન બાદ તરત જ સોશિયલ મીડિયા પર તેની વ્યાપક ટીકા થઈ. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) એ રિપબ્લિકન પાર્ટીમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી અને ડંકનના નિવેદનને હિન્દુ વિરોધી અને ઉશ્કેરણીજનક ગણાવ્યું. ફાઉન્ડેશને પ્રશ્ન કર્યો કે શું પાર્ટી પોતાના ઉમેદવાર સામે પગલાં લેશે, જે અમેરિકાના બંધારણના પ્રથમ સુધારા (ધાર્મિક સ્વતંત્રતા)નું ઉલ્લંઘન કરી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પણ ડંકનને બંધારણના નિયમો યાદ કરાવ્યા અને ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો આદર કરવા જણાવ્યું. એક યુઝરે લખ્યું કે, "ફક્ત એટલા માટે કે તમે હિન્દુ નથી, તેનો અર્થ એ નથી કે તે ખોટા છે. વેદ, જે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં 2,000 વર્ષ પહેલાં લખાયેલા હતા, તે અસાધારણ ગ્રંથો છે."
ઉલ્લેખનીય છે કે 2024માં અનાવરણ થયેલી આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ ધ યુનિયન તરીકે ઓળખવામાં આવે છે અને તે અમેરિકામાં ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. તે ટેક્સાસમાં શ્રી અષ્ટલક્ષ્મી મંદિર ખાતે આવેલી છે.





















