કર્મચારીઓને મળશે એક સપ્તાહમાં ત્રણ દિવસની રજા, આ 70 કંપનીઓએ કરી જાહેરાત
જોકે, હાલમાં તેને 6 મહિનાના પાયલોટ પ્રોગ્રામ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે
નવી દિલ્હીઃ ઘણા દેશોમાં સપ્તાહમાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજાના ફોર્મ્યુલા પર કામ ચાલી રહ્યું છે. હવે બ્રિટનમાં પણ ‘ફોર ડે વર્ક વીક’ ક્લબમાં સામેલ થઈ ગયું છે. અહીંની કંપનીઓએ અઠવાડિયામાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજાની ફોર્મ્યુલા લાગુ કરી છે. જેમાં બેન્કિંગ, હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોની લગભગ 70 કંપનીઓનો સમાવેશ થાય છે.
જોકે, હાલમાં તેને 6 મહિનાના પાયલોટ પ્રોગ્રામ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. આ 70 બ્રિટિશ કંપનીઓના હજારો કર્મચારીઓએ અઠવાડિયામાં ચાર દિવસ કામ પર આવવું પડશે, પરંતુ પગાર તેઓને પુરો આપવામાં આવશે. એટલે કે રજાઓ વધારવામાં આવી છે પરંતુ તેમની સેલેરીમાં કોઇ કાપ કરવામાં આવ્યો નથી.
આ પાયલોટ પ્રોગ્રામ બિન-લાભકારી જૂથો 'ફોર ડે વીક ગ્લોબલ', 'ફોર ડે વીક યુકે કેમ્પેઈન' અને ઓટોનોમી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જેઓ કહે છે કે આ દ્વારા તેઓ કર્મચારીઓની ઉત્પાદકતા અને જીવનની ગુણવત્તા પર અસરનું મૂલ્યાંકન કરશે. પરિણામ 2023 માં જાહેર કરવામાં આવશે. પાયલોટ પ્રોગ્રામમાં ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના શિક્ષણવિદો તેમજ બોસ્ટન કોલેજ, યુએસએના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
3,300 થી વધુ કર્મચારીઓ ભાગ લે છે
બ્રિટનમાં શરૂ થયેલા ફોર ડે વર્ક વીક અભિયાનમાં 3,300થી વધુ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. તેમાં બેન્કિંગ, માર્કેટિંગ, રિટેલ, ફાઇનાન્સ સહિત અન્ય ઘણા ક્ષેત્રોના લોકોનો સમાવેશ થાય છે. ઝુંબેશ ચલાવી રહેલા એક વ્યક્તિએ કહ્યું કે આ ટ્રિક લોકોના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરશે, ઓફિસમાં ઉત્પાદકતામાં વધારો કરશે અને જીવનમાં ગુણવત્તા લાવશે.
નોંધનીય છે કે બ્રિટનમાં ડઝનબંધ કંપનીઓ ફોર ડે વીકના ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. જો કે આ વખતે તેની શરૂઆત મોટા પાયે કરવામાં આવી રહી છે. સારુ પરિણામ આવ્યા બાદ સરકાર પણ આ ફોર્મ્યુલા અપનાવી શકે છે અને તેના પર નિયમો બનાવી શકે છે. જાપાન જેવા અન્ય દેશોમાં પણ ફોર ડે કામ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે.