વિશ્વના આ દેશોમાં હજુ સુધી નથી નોંધાયો Corona નો એક પણ કેસ, આંગળીના વેઢે ગણી શકાય તેટલી છે સંખ્યા
સમગ્ર વિશ્વમાં નવ લાખથી વધારે લોકો આ જીવલેણ વાયરસના ભરડામાં આવી ગયા છે અને 48,000થી વધારે લોકોના મોત થયા છે. પરંતુ કેટલાક દેશોમાં કોરોના વાયરસની અસર નહિવત છે.
નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાનો હાહાકાર છે. સમગ્ર વિશ્વમાં નવ લાખથી વધારે લોકો આ જીવલેણ વાયરસના ભરડામાં આવી ગયા છે અને 48,000થી વધારે લોકોના મોત થયા છે. પરંતુ જો એમ કહેવામાં આવે કે આ દેશમાં કોરોના વાયરસ નથી તો હાલ આશ્ચર્ય જરૂર થાય. વિશ્વમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા દેશોમાં જ કોરોના વાયરસનો એક પણ કેસ નથી.
તુર્કમેનિસ્તાને કોરોના વાયરસ શબ્દ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જો અહીંયા આ મહામારી વિશે વાત કરવામાં આવે તો પોલીસ પકડીને જેલ ભેગા કરી દે છે. પહાડો માટે જાણીતા તાજિકિસ્તાને માર્ચ મહિનાની શરૂઆતમાં વિશ્વના 35 દેશોના નાગરિકોને તેમને ત્યાં આવવાની ના પાડી દીધી છે. હાલ ત્યાં પણ કોરોનાનો કેસ નથી.
ચીનની બાજુમાં જ આવેલા ઉત્તર કોરિયામાં પણ કોરોના વાયરસથી મુક્ત છે. ચીનમાં કોરોના વાયરસ ફેલાતાં જ તમામ સરહદો સીલ કરી દીધી હતી. 1.11 કરોડની વસતિ ધરાવતા દક્ષિણ સૂડાનમાં પણ કોરોના વાયરસ નથી ઘૂસી શક્યો. આ દેશે પણ સરહદો સીલ કરી દીધી છે, પરંતુ ત્યાં જનજીવન સામાન્ય છે.
વર્ષો સુધી ગૃહયુદ્ધનો સામનો કરી ચુકેલું યમન પણ કોરોના વાયરસના પ્રકોપથી બાકાત રહ્યું છે. દક્ષિણ આફ્રિકન દેશ બુરુંડી પણ કોરોના વાયરસથી મુક્ત છે. આ દેશ વાઇલ્ડલાઇફ, જંગલ અને હરિયાળીના કારણે જાણીતો છે.
પૂર્વ આફ્રિકન દેશ માલાવી પણ હજુ સુધી કોરોનાનો એક પણ કેસ મળ્યો નથી. આફ્રિકાના લિસોથો દેશમાં પણ કોરોના આવ્યો નથી આ દેશ બરફથી ઢંકાયેલા પહાડો અને અભ્યારણ માટે જાણીતો છે.
આ ઉપરાંત પરફ્યૂમ આઈલેંડ તરીકે ઓળખાતા કોમોરોસમાં પણ આજ દિન સુધી કોરોનાનો કેસ સામે આવ્યો નથી.