ટ્રમ્પને મોટો ઝટકો લાગશે! 50% ટેરિફનો તોડ કાઢવા પુતિન પોતાના ખાસ માણસને ભારત મોકલશે
અમેરિકા દ્વારા લાગુ કરાયેલા 50% ટેરિફના કારણે પ્રભાવિત થયેલી ઝીંગાની નિકાસ પર ચર્ચા થશે; રશિયા ભારતીય નિકાસકારો માટે નવા બજાર તરીકે ઉભરી શકે છે.

India Russia trade: અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ઊંચા ટેરિફ વચ્ચે, રશિયાના નાયબ વડા પ્રધાન દિમિત્રી પાત્રુશેવ આ મહિને ભારતની મુલાકાત લેવાના છે. તેમની આ મુલાકાતનો મુખ્ય હેતુ કૃષિ ક્ષેત્રમાં દ્વિપક્ષીય વેપારને મજબૂત બનાવવાનો છે, ખાસ કરીને ભારત માંથી ઝીંગાની આયાત વધારવા અને રશિયા માંથી ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવા પર ચર્ચા થશે. આ પગલું ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લાદવા બાદ ભારતીય નિકાસકારોને વૈકલ્પિક બજાર પૂરું પાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
મુલાકાતનો મુખ્ય એજન્ડા અને વેપાર સંબંધોનું મહત્વ
દિમિત્રી પાત્રુશેવ કૃષિ ક્ષેત્રના જાણીતા નિષ્ણાત છે અને તેમની મુલાકાત દરમિયાન તેઓ ભારતના મુખ્ય મંત્રીઓને મળીને વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવશે. અત્યાર સુધી, ભારતીય ઝીંગાની નિકાસ માટે અમેરિકા સૌથી મોટું બજાર રહ્યું છે, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફને કારણે આ વેપાર પર ગંભીર અસર પડી છે. ભારતીય નિકાસકારો હવે ઇક્વાડોર, ઇન્ડોનેશિયા અને વિયેતનામ જેવા દેશો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે.
આવી પરિસ્થિતિમાં, રશિયાનું બજાર ભારત માટે એક આશાનું કિરણ બની શકે છે. રશિયા જો ભારતીય ઝીંગાની આયાત વધારશે તો તે ટેરિફના મારથી પીડાઈ રહેલા નિકાસકારોને મોટી રાહત આપશે. આ ઉપરાંત, ભારતને ખાતરનો સતત અને પૂરતો પુરવઠો મળી રહે તે માટે પણ ચર્ચા કરવામાં આવશે, જે ભારતના કૃષિ ક્ષેત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
અમેરિકાના ટેરિફ અને ભારતનું વલણ
અમેરિકા એ ભારત સામે ઘણા ટેરિફ લાદ્યા છે, જેના કારણે ઝીંગાની આયાત પર કુલ ટેરિફ દર 58% થી પણ વધુ થઈ શકે છે. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ તો હવે G-7 દેશોના સભ્યોને પણ ભારત પર ટેરિફ લાદવા માટે દબાણ કરી રહ્યા છે. તાજેતરમાં, G-7 વિદેશ મંત્રીઓની બેઠકમાં અમેરિકાએ ભારત અને ચીન સામે ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આ દબાણનો જવાબ આપતા, ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન યુદ્ધને ભંડોષ પૂરો પાડી રહ્યું છે તેવા આરોપો ખોટા અને અન્યાયી છે. ભારતે પોતાની ઉર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને તેની નીતિને યોગ્ય ઠેરવી છે. રશિયા ના નાયબ વડા પ્રધાનની આ મુલાકાત વૈશ્વિક વેપાર અને રાજકારણના આ ગૂંચવાડાભર્યા સમયમાં ભારત અને રશિયા ના મજબૂત દ્વિપક્ષીય સંબંધોનું પ્રતીક છે.





















