India-US : અમેરિકાની ભારતને NATOમાં શામેલ થવા ખુલ્લી ઓફર
નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ના એક વરિષ્ઠ અધિકારીએ તેમાં ભારતની સામેલગીરીને લઈને મોટી ઓફર કરી છે.
India US Relations : નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ના એક વરિષ્ઠ અધિકારીએ તેમાં ભારતની સામેલગીરીને લઈને મોટી ઓફર કરી છે. અમેરિકાના સ્થાયી પ્રતિનિધિ જુલિયન સ્મિથે આ અંગે પ્રથમ જાહેર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે, ગઠબંધન ભારત સાથે વધુ વાતચીત માટે તૈયાર છે. સ્મિથે એ પણ પુષ્ટિ કરી હતી કે, નાટો અને કેટલાક ભારતીય અધિકારીઓ વચ્ચે દિલ્હીમાં આયોજિત વાર્ષિક રાયસિના ડાયલોગની બાજુમાં અનૌપચારિક વાટાઘાટો થઈ હતી.
રાયસીના ડાયલોગ્સમાં વાતચીત
જુલિયન સ્મિથે કહ્યું હતું કે, રાયસીના ડાયલોગની બહાર કેટલાક વિનિમય થયા છે, જે એક શરૂઆત છે અને વાતચીતને થોડી મોકળાશ આપી છે. તેમણે કહ્યું હતું કે, ભારતને આ સંદેશ અગાઉ પણ આપવામાં આવ્યો છે કે, નાટો નિશ્ચિતપણે એક જોડાણ તરીકે ભારતની નજીક રહેવા માંગે છે. હાલમાં નાટોમાં 40 દેશો છે. 4 અને 5 એપ્રિલે બ્રસેલ્સમાં નાટો દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાવાની છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને જાપાનને પણ આ બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતીય પેસિફિક ક્ષેત્રના આ ચાર દેશો આ મહાગઠબંધનના ઔપચારિક ભાગીદારો છે.
ભારતને બેઠક માટે આમંત્રણ મળ્યું નથી
જ્યારે સ્મિથને પૂછવામાં આવ્યું કે, શું ભારતને પણ આ બેઠકોમાં હાજરી આપવા અને સંસ્થાના સભ્ય બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે? આના પર જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, ભારત માટે ભવિષ્યમાં નાટોમાં જોડાવાના દરવાજા ખુલ્લા છે. પરંતુ ભારતે પણ રસ લેવો જોઈએ. જ્યાં સુધી ભારતના હિતની જાણ ન થાય ત્યાં સુધી ભારતને મંત્રી સ્તરની બેઠક માટે આમંત્રણ નહીં મળે. સ્મિથે એ વાતને લઈને પણ સ્વિકાર કર્યો છે કે, ભારત-પ્રશાંત ક્ષેત્રને મુક્ત અને યોગ્ય બનાવવામાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
અગાઉ કરવામાં આવી હતી ઓફર
જુલિયન સ્મિથની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે અને આસિયાનથી લઈને ભારત સુધી ચીનની આક્રમકતાની વાતો ચાલી રહી છે. નિષ્ણાતોના મતે, તે ચીનની આક્રમકતાનું જ પરિણામ છે કે, યુરોપથી લઈને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મોટા ભૂ-રાજકીય ફેરફારો જોવા મળી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધ માટે નાટોને જવાબદાર ઠેરવ્યું છે. જોકે, નાટોએ આ વાત સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. ભારતને નાટોમાં સામેલ થવા માટે ઘણી વખત કહેવામાં આવી રહ્યું છે પરંતુ હજુ સુધી ભારત સરકારે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.