Indian Spices: ભારતીય મસાલા પર નવો ખતરો, અનેક દેશોમાં પ્રતિબંધ બાદ ન્યૂઝીલેન્ડે શરૂ કરી તપાસ
Indian Spices: ઘણા દેશોમાં પ્રતિબંધ પછી ન્યૂઝીલેન્ડે પણ ભારતીય મસાલા બ્રાન્ડ્સની તપાસ શરૂ કરી છે.
Indian Spices: ગયા મહિને શરૂ થયેલો ભારતીય મસાલાનો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. હવે આ વિવાદમાં ન્યૂઝીલેન્ડ પણ સામેલ થઇ ગયું છે. અહેવાલો અનુસાર, ઘણા દેશોમાં પ્રતિબંધ પછી ન્યૂઝીલેન્ડે પણ ભારતીય મસાલા બ્રાન્ડ્સના ઉત્પાદનોમાં ખતરનાક કેમિકલની હાજરીની તપાસ શરૂ કરી છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, ન્યૂઝીલેન્ડના ફૂડ સેફ્ટી રેગ્યુલેટરે બુધવારે ભારતીય મસાલા બ્રાન્ડના વિવિધ ઉત્પાદનોની તપાસ શરૂ કરવાની માહિતી આપી હતી. રિપોર્ટમાં ન્યૂઝીલેન્ડ ફૂડ સેફ્ટીના નિવેદનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રેગ્યુલેટર ઘણા દેશોમાં ભારતીય મસાલા બ્રાન્ડ્સના વિવિધ ઉત્પાદનો પર લાદવામાં આવેલા પ્રતિબંધથી વાકેફ છે.
ન્યૂઝીલેન્ડે પણ તપાસ શરૂ કરી છે
રેગ્યુલેટરનું કહેવુ છે કે એથિલિન ઓક્સાઈડ નામના આ કેમિકલથી માણસોમાં કેન્સર થાય છે. ન્યૂઝીલેન્ડ અને ઘણા દેશોમાં ફૂડ સ્ટરીલાઇજેશનમાં તેનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડના બજારમાં MDH અને એવરેસ્ટના મસાલા પણ વેચવામાં આવતા હોવાથી અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.
અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ તપાસ
MDH અને એવરેસ્ટ ભારતની બે સૌથી મોટી મસાલા બ્રાન્ડ છે. બંને બ્રાન્ડની વિવિધ પ્રોડક્ટ્સમાં કેન્સર માટે જવાબદાર ખતરનાક કેમિકલ એથિલિન ઓક્સાઈડ હોવાનો ખુલાસો થયા બાદ વિવાદ ચાલી રહ્યો છે. સૌ પ્રથમ, કેમિકલ્સની હાજરીને ટાંકીને હોંગકોંગે ઘણા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો હતો. તે પછી સિંગાપોર અને માલદીવમાં પણ MDH અને એવરેસ્ટના ઘણા ઉત્પાદનોનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ન્યૂઝીલેન્ડ પહેલા અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ફૂડ સેફ્ટી રેગ્યુલેટરે પણ બંને બ્રાન્ડના મસાલાની તપાસ શરૂ કરી દીધી છે.
લાયસન્સ રદ થવાનો ખતરો
બંને કંપનીઓ સ્થાનિક સ્તરે પણ સરકાર તરફથી કાર્યવાહીનો સામનો કરી રહી છે. ઘરેલું ફૂડ સેફ્ટી રેગ્યુલેટર એફએસએસએઆઇએ વિવિધ મસાલાઓની તપાસ શરૂ કરી દીધી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં મસાલાના 1,500 થી વધુ નમૂનાઓ એકત્રિત કર્યા છે. હાલમાં તમામ મસાલાના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. સરકારનું કહેવું છે કે જો સેમ્પલ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે તો સંબંધિત કંપનીઓના ઉત્પાદનોના લાયસન્સ રદ થઈ શકે છે.