અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી સાથે બર્બરતા, હથકડી પહેરાવી ડિપોર્ટ કરાયાનો દાવો
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી સાથે બર્બરતાનો આરોપ લાગ્યો છે

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી સાથે બર્બરતાનો આરોપ લાગ્યો છે. ઉદ્યોગપતિ કુણાલ જૈને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો, જેમાં ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાથમાં હથકડી પહેરાવી તેને જમીન પર પછાડવામાં આવ્યો હતો. આ સમયે આ વિદ્યાર્થી બૂમો પાડતો જોવા મળ્યો હતો. ઉદ્યોગપતિ કુણાલ જૈને દાવો કર્યો કે, અમેરિકાના નેવાર્ક એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થી સાથે આ પ્રકારનું વ્યવહાર કરાયું, તે પોતાના સપના પૂરા કરવા આવ્યો હતો, કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં. એક NRI તરીકે, હું પોતાને નબળો અને ભાંગી પડેલો અનુભવું છું. વિદ્યાર્થી હરિયાણવીમાં કહી રહ્યો હતો 'હું પાગલ નથી, આ લોકો મને પાગલ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.'
I witnessed a young Indian student being deported from Newark Airport last night— handcuffed, crying, treated like a criminal. He came chasing dreams, not causing harm. As an NRI, I felt helpless and heartbroken. This is a human tragedy. @IndianEmbassyUS #immigrationraids pic.twitter.com/0cINhd0xU1
— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025
વીડિયો ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ કુણાલ જૈન દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં ભારતીય વિદેશ મંત્રાલય અને વિદેશ મંત્રી એસ. જયશંકરને પણ ટેગ કર્યા છે અને તે વિદ્યાર્થી માટે મદદ માંગી છે.
કુણાલ જૈને પોતાની પોસ્ટમાં લખ્યું
તેમણે લખ્યું, 'મેં ગઈકાલે રાત્રે નેવાર્ક એરપોર્ટ પર એક યુવાન ભારતીય વિદ્યાર્થીને દેશનિકાલ થતો જોયો. તેને હાથકડી લગાવી હતી અને તે રડતો હતો. તેની સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. તે અહીં કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં, પરંતુ પોતાના સપના પૂરા કરવા માટે આવ્યો હતો. એક NRI તરીકે, હું લાચાર અને દુઃખી અનુભવતો હતો. આ એક માનવીય દુર્ઘટના છે.'
જૈને લખ્યું, 'તે વિદ્યાર્થીના માતા-પિતાને ખબર નહીં પડે કે તેની સાથે શું થઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે તેને મારી ફ્લાઇટમાં બેસાડવાનો હતો, પરંતુ તેને બેસાડવામા આવ્યો નહીં. કોઈએ શોધવું જોઈએ કે ન્યૂજર્સીના અધિકારીઓ તેની સાથે શું કરી રહ્યા છે. મને લાગ્યું કે તે પરેશાન છે.'
તેમણે લખ્યું કે વિદ્યાર્થીના ઉચ્ચારણ પરથી એવું લાગતું હતું કે તે હરિયાણાનો છે. તે બૂમો પાડી રહ્યો હતો, 'હું પાગલ નથી, તેઓ મને પાગલ સાબિત કરવા માંગે છે.' જૈને લખ્યું હતું કે, 'આ બાળકોને વિઝા મળે છે અને તેઓ સવારની ફ્લાઇટમાં ચઢે છે. કોઈ કારણોસર તેઓ ઇમિગ્રેશન અધિકારીઓને તેમની મુસાફરીનું કારણ જણાવી શકતા નથી. તેમને સાંજની ફ્લાઇટમાં ગુનેગારોની જેમ બાંધીને પાછા મોકલી દેવામાં આવે છે.
આવા ત્રણ-ચાર કિસ્સાઓ દરરોજ બની રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવા ઘણા કિસ્સાઓ બન્યા છે.' વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે જાન્યુઆરીમાં સત્તામાં આવ્યા પછી 1,080 ભારતીય નાગરિકોને અમેરિકાથી દેશનિકાલ કર્યા છે.





















