Iran: ઇરાનમાં હિજાબ વિરુદ્ધ મહિલાઓની લડાઇ, મહિલાઓએ સળગાવ્યો હિજાબ
ઈરાનમાં હિજાબને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. મહિલાઓ રસ્તા પર ઉતરી છે
Iran Protest Over Hijab: ઈરાનમાં હિજાબને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. મહિલાઓ રસ્તા પર ઉતરી છે. ઈરાનમાં હિજાબ પહેરવાનો કડક કાયદો હોવા છતાં ઘણી જગ્યાએ મહિલાઓ હિજાબ ઉતારીને વિરોધ કરી રહી છે અને હિજાબ સળગાવી રહી છે. ઘણી જગ્યાએ મહિલાઓએ વિરોધમાં પોતાના વાળ પણ કાપી નાખ્યા હતા. મહસા અમીનીના ((Mahsa Amini Death) ) મૃત્યુ પછી ઈરાનના અનેક શહેરોમાં હિજાબના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે.
અધિકારોની આ લડાઈમાં ઈરાન સળગી રહ્યું છે. જો કે, ઈરાન હિજાબ વિરુદ્ધ વિશ્વમાં ઉઠતા અવાજને પોતાનો સ્થાનિક મામલો ગણાવીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઈરાનમાં હિજાબ સામે જંગ
22 વર્ષની મહસા અમીનીના મોત બાદ ઈરાનમાં ભારે હોબાળો મચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હિજાબ પહેરવાનો ઇનકાર કરનાર મહસા અમીનીને તહેરાનમાં પોલીસ ઉઠાવી ગઇ હતી. બાદમાં પોલીસ કસ્ટડીમાં જ તેનું મોત થયું હોવાનો આરોપ છે. આ ઘટના પછી મહિલાઓએ ડ્રેસ કોડ લાદતા કટ્ટરતાના વિરોધમાં 'નો ટુ હિજાબ' અભિયાન શરૂ કર્યું છે. મહિલાઓ હવામાં હિજાબ ઉડાડતી અને ઘણી જગ્યાએ હિજાબને સળગાવતી જોવા મળી હતી. એટલું જ નહી અનેક મહિલાઓએ જાતે જ પોતાના વાળ કાપીને વિરોધ નોંધાવ્યો હતો.
મહસા અમીનીનું મોત કેવી રીતે થયું?
22 વર્ષીય મહસા અમીનીની પોલીસે 13 સપ્ટેમ્બરે હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી અને પોલીસ દ્વારા માર મારવામાં આવતાં તે કોમામાં જતી રહી હતી. ત્રણ દિવસ પછી મહસા અમીનીનું મોત થયું હતું. મહસા અમીની પરિવાર સાથે તેહરાનની મુલાકાત લેવા ગઈ હતી, પરંતુ હિજાબ ન પહેરવાથી તેણીનો જીવ જશે તેવી તેને કલ્પના પણ નહોતી. ઘટનાને નજરે જોનારા લોકોએ કહ્યું કે મંગળવારે ધાર્મિક બાબતોની પોલીસે મહસા અમીનીની હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી. વાનમાં બેસાડી તેને માર મારવામાં આવ્યો હતો. બાદમાં તેનું મૃત્યુ થયાની જાણકારી આપવામાં આવી હતી.
ઈરાનની પોલીસ આરોપોને નકારી રહી છે
જો કે ઈરાનની પોલીસ તમામ આરોપોને નકારી રહી છે. પોલીસનું કહેવું છે કે મહસા અમીનીનું મૃત્યુ હૃદય બંધ થવાથી થયું હતું. મહસા અમીનીના મૃત્યુથી ફરી એકવાર ઈરાનમાં માનવ અધિકાર અને મહિલા સ્વતંત્રતાનો મુદ્દો ઉભો થયો છે. રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીએ ગૃહ મંત્રાલયને મહસા અમીનીના મોતની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.