ઈમરાન ખાન નોટ આઉટઃ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ પહેલાં ડે. સ્પિકરે પ્રસ્તાવ ફગાવ્યો, જાણો ઈમરાને શું કહ્યું
આજે ઈમરાન ખાન સરકાર સામે પાકિસ્તાન સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરવાનું નક્કી હતું. ત્યારે છેલ્લી ઘડીએ સંસદના ડે. સ્પિકર કૈસરે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે.
Pakistan No Trust Vote: આજે ઈમરાન ખાન સરકાર સામે પાકિસ્તાન સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરવાનું નક્કી હતું. ત્યારે છેલ્લી ઘડીએ સંસદના ડે. સ્પિકર કૈસરે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે.
આ પહેલાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરતા પહેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, પાકિસ્તાની નેશનલ એસેમ્બલીના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર સાથે મુલાકાત કરી હતી. ઈમરાન ખાન સંસદ પહોંચ્યા નથી પરંતુ તેમણે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પીટીવીની ટીમને તેમના નિવાસસ્થાને બોલાવી હતી.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ રદ્દ થયા બાદ પાકિસ્તાનની જનતાને સંબોધન કર્યું હતું. ઈમરાન ખાને કહ્યું કે, દેશ સામે એક મોટી સાઝીશ કરવામાં આવી હતી. પાકિસ્તાન આ સાઝીશ સામે બચી ગયું છે. હવે પાકિસ્તાનની જનતાએ નક્કી કરવાનું છે કે તેઓ શું કરવા માંગે છે. વિદેશમાંથી પૈસાના જોરે કરવામાં આવેલું ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનું ઈમરાન ખાને કહ્યું છે. હવે પાકિસ્તાનમાં ચૂંટણી યોજાશે અને પાકિસ્તાનની જનતાએ ચૂંટણી લડવાની તૈયારી કરવી જોઈએ. આ અવિશ્વાસ પ્રસ્તાવને ઈમરાન ખાને વિદેશી ષડયંત્ર ગણાવ્યું હતું.
ઈમરાન ખાને હવે રાષ્ટ્રપતિને માંગ કરી છે કે હાલની સંસદને ભંગ કરીને નવેસરથી ચૂંટણી યોજવામાં આવે. ઉલ્લેખનીય છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરનાર વિપક્ષી દળોએ તેમની પાસે 174 સાંસદોનું સમર્થન છે એમ જણાવ્યું હતું. નવાજ શરીફની પાર્ટીએ 174 સાંસદોની યાદી જાહેર કરીને આ દાવો કર્યો હતો.
અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યા બાદ હવે પાકિસ્તાનમાં આગામી 90 દિવસમાં ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ જણાવાઈ રહી છે. પાકિસ્તાનના સુચના અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે કે, આગામી 90 દિવસમાં ચૂંટણી યોજાશે. ફવાદ ચૌધરીએ આ વિશે માહિતી આપતાં વિપક્ષી દળો પર કટાક્ષ પણ કર્યો હતો.
આ પ્રસ્તાવ ફગાવ્યા બાદ વિપક્ષ નેતા બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, અમે સંસદમાં ધરણાં કરીશું. ઈમરાન ખાન સામે સુપ્રિમ કોર્ટમાં પણ અમે જઈશું. બંધારણનું ઉલંઘન કરીને આ પ્રસ્તાવ ફગાવવામાં આવ્યો છે.