(Source: ECI/ABP News/ABP Majha)
Tanjania Plane Crash: તાંઝાનિયામાં આવેલ વિક્ટોરીયા તળાવમાં વિમાન તૂટી પડ્યું, 26 લોકો લાપતા, જુઓ વીડિયો
લેન્ડિંગના થોડા સમય પહેલા ખરાબ હવામાનને કારણે 43 લોકોને લઈને જતું વિમાન વિક્ટોરિયા તળાવમાં ક્રેશ થયું હતું.
Tanjania Plane Crash: તાંઝાનિયાના ઉત્તર-પશ્ચિમ શહેર બુકોબામાં રવિવાર (6 નવેમ્બર)ના રોજ લેન્ડિંગના થોડા સમય પહેલા ખરાબ હવામાનને કારણે 43 લોકોને લઈને જતું વિમાન વિક્ટોરિયા તળાવમાં ક્રેશ થયું હતું. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, પ્રેસિઝન એર (Precision Air) ફ્લાઇટમાં 43 લોકો સવાર હતા, જેમાંથી 26ને બચાવી લેવામાં આવ્યા અને તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. રેસ્ક્યુ કર્મચારી અને સ્થાનિક માછીમારો બચી ગયેલા લોકોની શોધ કરી રહ્યા છે. આફ્રિકાના સૌથી મોટા લેક વિક્ટોરિયામાંથી (Lake Victoria) વિમાનને કાઢવા માટે કામદારો દોરડાનો ઉપયોગ કરી રહ્યા છે.
ટોચના પ્રાદેશિક અધિકારી આલ્બર્ટ ચાલમિલાએ જણાવ્યું હતું કે, "અમે જોવા માંગીએ છીએ કે લેન્ડિંગ ગિયર અટકી ગયું છે કે નહી? જેથી અમે વિમાનને પાણીમાંથી બહાર કાઢવા માટે વધુ તકનીકી સહાય માંગી શકીએ." તે જ સમયે, તાંઝાનિયાની સૌથી મોટી ખાનગી એરલાઇન પ્રેસિઝન એરે એક નિવેદન જાહેર કરીને અકસ્માતની પુષ્ટિ કરી છે. એરલાઈને જણાવ્યું હતું કે, "બચાવ ટીમોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે અને વધુ માહિતી બે કલાકમાં જાહેર કરવામાં આવશે".
A plane has crashed into Lake Victoria in Bukoba in Tanzania’s Kagera region. Rescue efforts are underway. The plane belongs to Precision Air. #Tanzania #Planecrash pic.twitter.com/1GItlItEoM
— Devesh (@Devesh81403955) November 6, 2022
પ્લેનનો મોટો ભાગ પાણીમાં ડૂબ્યોઃ
સ્થાનિક મીડિયા પર પ્રસારિત થતા વીડિયો ફૂટેજમાં પ્લેન મોટાભાગે પાણીમાં ડૂબી ગયેલું જોવા મળ્યું હતું. વિમાન લગભગ સંપૂર્ણપણે પાણીની અંદર ડૂબી ગયું છે. વીડિયોમાં દેખાય છે કે, પ્લેનનો માત્ર ભૂરા અને લીલા રંગના પૂંછડીનો ભાગ જ જોવા મળે છે અને બચાવ કર્મચારીઓ અને માછીમારી બોટથી પ્લેન ઘેરાયેલું છે. ઇમરજન્સી કર્મચારીઓએ ક્રેનની મદદથી દોરડાનો ઉપયોગ કરીને પ્લેનને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
રાષ્ટ્રપતિ હસને શોક વ્યક્ત કર્યો
પ્રમુખ સામિયા સુલુહુ હસને (Samia Suluhu Hassan) અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને બચાવ કામગીરી ચાલુ હોવાથી શાંતિ જાળવવા અપીલ કરી છે. વાસ્તવમાં, વિમાન તાન્ઝાનિયાના સૌથી મોટા શહેર દાસ એસ સલામથી બુકોબા થઈને મવાન્ઝા જઈ રહ્યું હતું. ઉડાન ભર્યા બાદ પ્લેન તોફાન અને ભારે વરસાદમાં ફસાઈ ગયું હતુ અને વિક્ટોરિયા લેકમાં તૂટી પડ્યું હતું.
જણાવી દઈએ કે, પ્રેસિઝન એર કેન્યા એરવેઝની માલિકીની છે. તેની સ્થાપના 1993 માં કરવામાં આવી હતી અને તે સેરેનગેટી નેશનલ પાર્ક અને ઝાંઝીબાર દ્વીપસમૂહ જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળો માટે સ્થાનિક અને પ્રાદેશિક ફ્લાઇટ્સ તેમજ ખાનગી ચાર્ટરનું સંચાલન કરે છે.