પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ પર ભારતના વિરોધ બાદ PM ઇમરાન ખાનનુ આવ્યું નિવેદન? જાણો શું કહ્યુ?
પાકિસ્તાનના પંજાબ પ્રાન્તના રહીમ યાર ખાનના એક મંદિરમાં થયેલી તોડફોડ મામલે ભારત સરકાર કડક વિરોધ નોંધાવ્યો હતો.
પાકિસ્તાનના પંજાબ પ્રાન્તના રહીમ યાર ખાનના એક મંદિરમાં થયેલી તોડફોડ મામલે ભારત સરકાર કડક વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે પાકિસ્તાની હાઇ કમિશનના પ્રભારીને બોલાવ્યા હતા. બાદમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને મંદિરમાં તોડફોડની ઘટનાની નિંદા કરી હતી.
ઇમરાન ખાને કહ્યું કે રહીમ યાર ખાનના ભુંગમાં ગણેશ મંદિર પર થયેલા હુમલાની અમે નિંદા કરીએ છીએ. મે અગાઉથી જ આઇજી પંજાબને તમામ દોષિતોની ધરપકડ સુનિશ્વિત કરવા અને પોલીસની કોઇ પણ પ્રકારની બેદરકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું છે. સરકાર મંદિરનો જીર્ણોદ્વાર કરાવશે.
ઇમરાન ખાને ટ્વિટ અગાઉ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ભારતે પાકિસ્તાનમાં લઘુમતિ સમુદાયોના ધાર્મિક સ્વતંત્રતા પર નિરંતર હુમલાને લઇને પોતાની ગંભીર ચિંતાઓને પાકિસ્તાની રાજદ્વારીને જાણ કરી છે.બાગચીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, પાકિસ્તાની હાઇકમિશનના પ્રભારીને આજે બોલાવવામાં આવ્યા છે અને પાકિસ્તાનમાં થયેલી નિંદનીય ઘટનાને લઇને અને લઘુમતી સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા અને તેમના ધાર્મિક સ્થળો પર સતત થઇ રહેલા હુમલાઓ પર પોતાની ગંભીર ચિંતા પ્રગટ કરતા વિરોધ નોંધાવ્યો છે.
પોલીસે જણાવ્યું કે, રહીમ યાર ખાન જિલ્લાના ભુંગ શહેરમાં ભીડે બુધવારે હિંદુ મંદિર પર હુમલો કર્યો હતો. રહીમ યાર ખાન જિલ્લાના પોલીસ અધિકારી અસદ સરફરાજે કહ્યું કે, હુમલાખોરોએ લાકડી, પથ્થરો, અને ઇંટોથી હુમલો કર્યો હતો. ભીડે ધાર્મિક નારા લગાવતા દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડિત કરી હતી. તેઓએ કહ્યું કે, મંદિરના એક હિસ્સાને સળગાવી દેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે સેંકડોની સંખ્યામાં લોકોએ અચાનકથી મંદિર પર હુમલો કર્યો હતો. લોકોના હાથમાં લાકડીઓ પથ્થરો હતા અને તેઓએ મંદિરમાં રાખેલી મૂર્તિઓ તોડવાની શરૂઆત કરી હતી. પોલીસે ઘટના બાદ વિસ્તારની સુરક્ષા વધારી દીધી હતી અને મંદિરની આસપાસ વ્યાપક પ્રમાણમાં જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.