પાકિસ્તાની PMએ દેશને કર્યું સંબોધન, ‘પહલગામ હુમલાને બહાનું બનાવી ભારતે અમારા પર યુદ્ધ થોંપ્યું’
શાહબાઝ શરીફે યુદ્ધવિરામ માટે ચીન, ડોનાલ્ડ ટ્રમ્પ અને ગલ્ફ દેશોનો આભાર માન્યો હતો

ભારત સાથે યુદ્ધવિરામ માટે વિનંતી કરવી અને પછી તેનો ભંગ કરવો એ આ પાકિસ્તાનની જૂની આદત બની ગઈ છે. પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફના નિવેદનમાં હતાશા સ્પષ્ટપણે જોવા મળી હતી. શનિવારે રાષ્ટ્રને સંબોધનમાં શાહબાઝ શરીફે કહ્યું હતું કે ભારતે તાજેતરમાં જે કર્યું તે ખોટું હતું, જેનો આપણી સેનાએ યોગ્ય જવાબ આપ્યો. ભારતે પહલગામ હુમલાનું બહાનું બનાવીને આપણા પર યુદ્ધ થોપ્યું હતું. પાકિસ્તાને ફરી એકવાર ભારતના આરોપોને પાયાવિહોણા ગણાવીની તેની નિષ્પક્ષ તપાસની ઓફર કરી હતી.
શાહબાઝે આરોપ લગાવ્યો કે ભારતે ડ્રોન અને મિસાઇલ હુમલાઓ દ્વારા પાકિસ્તાની નાગરિકોને નિશાન બનાવ્યા હતા. ભારતે રહેણાંક વિસ્તારો પર હુમલો કરીને અમારી ધીરજની કસોટી કરી. ભારતીય સેનાએ પાકિસ્તાનના સૈન્ય છાવણીઓ અને દારૂગોળાના ડેપોને નિશાન બનાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા.
યુદ્ધવિરામ માટે આભાર વ્યક્ત કર્યો
શાહબાઝ શરીફે યુદ્ધવિરામ માટે ચીન, ડોનાલ્ડ ટ્રમ્પ અને ગલ્ફ દેશોનો આભાર માન્યો હતો. શાહબાઝે કહ્યું- હું અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનવા માંગુ છું. જેમણે યુદ્ધવિરામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શાહબાઝે યુદ્ધવિરામ માટે સાઉદી અરેબિયા, યુએઈ, તુર્કી અને કતારનો પણ આભાર માન્યો હતો.
ચીનનો ખાસ આભાર
પાક પીએમએ ચીનને એક વિશ્વાસુ મિત્ર ગણાવ્યું છે. શાહબાઝે કહ્યું કે ચીનનો ઉલ્લેખ કર્યા વિના તેમનું ભાષણ અધૂરું છે. તેમણે કહ્યું, 'હું ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો હૃદયપૂર્વક આભાર માનું છું.' પાંચ દાયકાથી વધુ સમયથી ચીન દરેક કટોકટીમાં અમારી સાથે ઉભું રહ્યું છે.
નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. બંને દેશો સરહદ પર તણાવ ઓછો કરવા સંમત થયા છે. જોકે, યુદ્ધવિરામ પર સંમત થયાના થોડા કલાકો પછી જ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.




















