રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે? અમેરિકા સાથે સંબંધો પર પુતિને કહ્યું – હું ટ્રમ્પને મળવા....
ટ્રમ્પના પ્રયાસોની પુતિન દ્વારા પ્રશંસા; ઇસ્તંબુલમાં નવી શાંતિ વાટાઘાટો યોજાવાની સંભાવના, 3000 યુક્રેનિયન સૈનિકોના મૃતદેહ પરત આપવા રશિયા તૈયાર.

Putin Trump US relations: રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં સકારાત્મકતાના સંકેતો જોવા મળી રહ્યા છે, જે યુક્રેન યુદ્ધના સંભવિત અંત તરફ ઇશારો કરી શકે છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે બંને શક્તિશાળી દેશો વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે અને આ માટે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો છે. પુતિને ટ્રમ્પને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
રશિયા-અમેરિકા સંબંધોમાં સુધારો
શુક્રવારે (જૂન 27) મિન્સ્કમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, "રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કારણે જ રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં સુધારો થવા લાગ્યો છે." તેમણે ઉમેર્યું કે, જોકે રાજકીય રીતે હજુ કંઈ નક્કી થયું નથી, રશિયા આ માટે પહેલ કરનાર સૌપ્રથમ હશે. આ ઉપરાંત, બંને દેશોએ ઇઝરાયલ-ઈરાન યુદ્ધ અને મધ્ય પૂર્વ સાથે યુક્રેન સાથે ચાલી રહેલા વિવાદો અંગે પહેલ કરી છે અને લગભગ બે અઠવાડિયા પછી આ મુદ્દા પર ફોન પર વાતચીત થઈ છે. અગાઉ, ટ્રમ્પની વારંવાર અપીલ છતાં, રશિયન રાષ્ટ્રપતિએ યુક્રેન સાથે યુદ્ધ ચાલુ રાખ્યું હતું, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી હતી.
યુક્રેન સાથે શાંતિ વાટાઘાટોની શક્યતા
રશિયન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, રશિયા હવે યુક્રેન સાથે શાંતિ વાટાઘાટો કરવા માટે તૈયાર છે. તેમણે યાદ અપાવ્યું કે અમેરિકાના નેતૃત્વમાં બે વાર શાંતિ વાટાઘાટો થઈ હતી, પરંતુ કોઈ મોટા પરિણામો આવ્યા ન હતા. પુતિને સ્વીકાર્યું કે અગાઉની વાટાઘાટો અને દરખાસ્તોમાં ઘણો તફાવત હતો, પરંતુ તેમને આશા છે કે વાતચીત દ્વારા ઉકેલ મળી શકે છે. તેમણે સૂચવ્યું કે નવી શાંતિ વાટાઘાટો ઇસ્તંબુલમાં યોજાઈ શકે છે, જોકે સમય અને સ્થળ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.
મિન્સ્કમાં પત્રકારો સાથે વાત કરતા પુતિને કહ્યું કે બંને દેશોના વડા નિયમિત સંપર્કમાં છે. તેમણે એમ પણ જણાવ્યું કે રશિયા 3,000 યુક્રેનિયન સૈનિકોના મૃતદેહ પરત કરવા માટે તૈયાર છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે પુતિન સાથેની તેમની તાજેતરની વાતચીત બાદ, તેમને લાગે છે કે યુદ્ધ ટૂંક સમયમાં ઉકેલાઈ શકે છે. આ સંકેતો વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપિત થવાની આશા જગાવી રહ્યા છે.





















