પુતિને વહેલી સવારે 5 વાગ્યે ક્યા દેશના વડાને ફોન કરીને યુક્રેન પર હુમલો કરવાની સૌથી પહેલાં આપી જાણકારી ?
યુક્રેન-રશિયા વચ્ચેની તણાવની વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટેલિવિઝન સંબોધન પછી સૈન્ય કાર્યવાહીનો આદેશ આપી દીધો છે. પુતિને કહ્યું કે યુક્રેનની સેના હથિયાર હેઠા મુકી દે.
મોસ્કો: રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને ગુરુવારે વહેલી સવારે તેમના બેલારુસિયન સમકક્ષને ફોન કર્યો હતો, તેમને જાણ કરી હતી કે મોસ્કો યુક્રેન પર લશ્કરી કાર્યવાહી શરૂ કરી રહ્યું છે. એલેક્ઝાન્ડર લુકાશેન્કોના કાર્યાલયે આ વાત કહી છે.
લુકાશેન્કોના કાર્યાલયે જણાવ્યું કે, "આજે સવારે 5 વાગ્યાની આસપાસ (0200 જીએમટી) બેલારુસ અને રશિયાના રાષ્ટ્રપતિઓ વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ હતી. કોલ દરમિયાન, વ્લાદિમીર પુટિને તેના બેલારુસિયન સમકક્ષને યુક્રેન અને ડોનબાસની સરહદ પરની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી."
જોકે મોસ્કો તરફથી આ મામલે કોઈ નિવેદન સામે આવ્યં નથી.
નોંધનીય છે કે, યુક્રેન-રશિયા વચ્ચેની તણાવની વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટેલિવિઝન સંબોધન પછી સૈન્ય કાર્યવાહીનો આદેશ આપી દીધો છે. પુતિને કહ્યું કે યુક્રેનની સેના હથિયાર હેઠા મુકી દે. આ પછી યુક્રેનના અલગ અલગ શહેરોમાં ધમાકાના અહેવાલ સામે આવી રહ્યા છે.
એએફપી અનુસાર, પુતિને યુક્રેન પર સૈન્ય કાર્યવાહીનો આદેશ આપતા કહ્યું કે રશિયાનો યુક્રેન પર કબજો કરવાનો કોઇ ઇરાદો નથી, પરંતુ જો કોઇ બહારી ખતરો થાય છે તો તેનો તાત્કાલિક જવાબ આપવામાં આવશે. આની સાથે જ રશિયાએ યુક્રેન સાથે લાગેલી સરહદની પાસે લગભગ બે લાખ જવાનોને તૈનાત કરી દીધા છે. વળી, બીજીબાજુ યુક્રેનની રાજધાની કીવમાં ધમાકાના કેટલાય અવાજો સંભળાઇ રહ્યાં છે. વિસ્ફોટોનો અવાજ ક્રેમટોર્સ્ક અને યુક્રેનના ત્રીજા સૌથી મોટા શહેર ઓડેસ્સામાં સંભળાઇ રહ્યાં છે.
યુક્રેને દેશવ્યાપી ઇમર્જન્સીની કરી જાહેરાત-
યુક્રેને યુદ્ધના વધતા ભય વચ્ચે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે અને તેના નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે રશિયા છોડવા કહ્યું છે. તો રશિયાએ યુક્રેનથી તેના રાજદ્વારીઓને બોલાવવાની જાહેરાત કરી દીધી છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશો રશિયાને રોકવા માટે પ્રતિબંધો (યુરોપિયન પ્રતિબંધો)નો આશરો લઈ રહ્યા છે. યુએસ અને યુકેએ મોસ્કો પર આકરા આર્થિક પ્રતિબંધો લાદ્યા છે અને આગામી દિવસોમાં ઘણા નવા પ્રતિબંધો પણ લગાવામાં આવી શકે છે. પરંતુ સવાલ એ છે કે શું આ હઠીલી ફોર્મ્યુલા રશિયા પર કામ કરશે?